રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત , શનિવાર, 8 જૂન 2024 (15:07 IST)

સુરતમાં હોન્ડા સિટી કાર ચાલકે સાત લોકોને ટક્કર મારી, ત્રણ લોકોના મોત

surat accident
surat accident
ગુજરાતમાં માલેતુજાર નબીરાઓ પોતાનો રૂઆબ બતાવવા મોંઘીદાટ ગાડીઓ પુરપાટ ઝડપે હંકારે છે અને અકસ્માત સર્જે છે. જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે કે પછી શારીરિક ગંભીર ઈજા પામે છે. અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ સુરતમાં હોન્ડા સિટીના ચાલકે ફુલ સ્પીડમાં રિંગ રોડની સાઇડમાં બેઠેલા 7 લોકોને ટક્કર મારી હતી. જેમાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયાં છે અને એક સગર્ભા મહિલા સહિત ત્રણને ઈજાઓ પહોંચી છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
આરોપી જિજ્ઞેશ ગોહિલની પોલીસે ધરપકડ કરી
સુરતમાં ગત મોડીરાત્રે મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ટક્કર મારી હતી. જેમાં પિતા-પુત્ર સહિત 3નાં મોત નીપજ્યાં હતાં અને 5ને ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, એમાંથી બેની હાલત ગંભીર છે. એમાંય એક તો સગર્ભા છે તેમજ કારે ચાર જેટલા ટૂ-વ્હીલરને પણ ઉડાડતાં એક બાઈક કારની નીચે આવી જતાં ઢસડાઈ હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટૂ-વ્હીલરો પર બેઠા હતા. આરોપી જિજ્ઞેશ ગોહિલની પોલીસે ધરપકડ કરી લીધી છે.
 
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી કારચાલકે જણાવ્યું છે કે તે અમદાવાદ સબંધીની ખબર પૂછીને પરત ફરી રહ્યો હતો. સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થતાં એકાએક ઝોકું આવતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એના કારણે અકસ્માત થયો હતો. આરોપી નશાની હાલતમાં હતો કે કેમ એને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરી બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાયુ છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે. જોકે આરોપી દારૂ પીધેલી હાલતમાં ન હોવાનું મેડિકલ ચેકઅપના પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે.