હોસ્પિટલની જરૂરિયાતો પૂર્ણઃ સુરતને દૈનિક ૧૬૦ મેટ્રિક ટન ઓકિસજન પુરવઠો ઉપલબ્ધ
કોરોના કટોકટી વચ્ચે જયારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ઓકિસજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો, દેશભરમાં કોવિડ કેસોમાં સતત વધારો અને ઓક્સિજનની બુમરાણ વચ્ચે એક તબક્કે તો શહેરમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા.
પરંતુ જિલ્લા વહીવટીતંત્રના બાહોશ અધિકારીઓની મહામહેનતે સ્થિતિ થાળે પાડી હતી. જેના કારણે સુરતમાં ઓક્સિજનની અછતના કારણે પરિસ્થિતિ વણસી હોય તેવો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો. દર્દીઓને મોતનાં મોંમાંથી ઉગારવા માટે રાજ્ય સરકારના સહયોગથી તાબડતોબ ઓક્સિજનની વ્યવસ્થા કરી રાહત પહોંચાડવામાં આવી અને ઉમદા ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું.
વધુ વિગતો પર નજર કરીએ સામાન્ય રીતે રાજ્યભરમાં દૈનિક ૧૯૫ મેટ્રિક ટન ઓક્સિજન વપરાય છે, પરંતુ કોવિડના બીજા ફેઝમાં ૧૧૫૦ મેટ્રિક ટનનો ઉછાળો નોંધાયો. દેશમાં માર્ચ મહિનામાં આવતા કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હતો. ગુજરાત અને સુરત પણ એમાં બાકાત નહોતું.
સુરતની વાત કરીએ તો, કોવિડના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે માર્ચમાં ૬૪ મેટ્રિક ટનનો વપરાશ હતો. જે વધીને એપ્રિલ મહિના દરમિયાન તા.૨૨મી એપ્રિલે ઓક્સિજનનો વપરાશ ૨૪૧ મેટ્રિક ટનની ટોચ સુધી પહોચી ગયો હતો. આવા સમયે સિવિલ-સ્મિમેર તથા શહેરની ખાનગી હોસ્પિટલોમાં સમયસર પુરવઠો પહોચે તે માટે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ અને જી.આઈ.ડી.સી.ના એમ.ડી. અને સુરતમાં કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારી એમ.થેન્નારસનની કુનેહના કારણે સુરતીવાસીઓએ ઓક્સિજનની માંગ સામે સપ્રમાણસર ઓક્સિજનનો પુરવઠો પુરો પાડવાનું કપરૂ કાર્ય સુપેરે પાર પાડયું.
તંત્રએ ઓક્સિજન સપ્લાય અને પ્રાપ્તિ માટે વિવિધ મોરચે કામ સંભાળ્યું અને પરિણામ આપણી સૌની સામે છે. એક તબક્કે અધિકારીઓ જાતે જ આઈનોકસ કંપની પર જઈને મધ્યપ્રદેશના ટેન્કરોમાં ઓક્સિજન રિફિલિંગને અટકાવીને સુરતના ટેન્કરોનું સૌપહેલાં રિફિલિંગ થાય એ માટે તાકીદ કરી હતી. પરિણામે મધ્યપ્રદેશ પહેલાં સુરતને ઓક્સિજન રિફિલ માટે પ્રાથમિકતા મળી હતી.