મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (19:45 IST)

ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં રૂ.100થી 200નો ઘટાડો, હવે ઘરે બોલાવીને ટેસ્ટ કરાવશો તો 1100ને બદલે 900 થશે

અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. AMC દ્વારા શરૂ કરાયેલી રેપિડ ટેસ્ટના ડોમની સાથે ખાનગી લેબોરેટરીઓમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાંથી અથવા નાગરિકના ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો 1100નો ચાર્જ હતો તેમાં 200નો ઘટાડો કરાયો છે.ખાનગી લેબોરેટરીમાં દર્દી ટેસ્ટ કરાવવા માગે તો 1100માંથી 900 રૂપિયા જ ચાર્જ લઈ શકશે.લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવે તો તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

આ ભાવ ઘટાડો આવતીકાલથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે. નીતિનભાઈએ ઉમેર્યું હતું કે મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા નાગરિકોના કાર્ડની મુદત 31 માર્ચે પૂરી થઈ હોય તો તેમના માટે 3 મહિનાની મર્યાદા વધારવામાં આવી છે.આ કાર્ડ હવે 30-6 સુધી અમલમાં રહેશે અને આ બાદ સ્થિતિ મુજબ ફરીથી નિર્ણય કરવામાં આવશે.અત્યાર સુધીમાં ગુજરાત સરકારના ખર્ચે 40.99 લાખ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. લોકડાઉન પર રાજ્ય સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવશે, તેનાથી નાગરીકોને માહિતગાર કરવામાં આવશે. ગુજરાતમાં ઉત્પાદન કરાતા ઓક્સિજનનો તમામ જથ્થો મેડિકલ ઉપયોગ માટે કરી દીધો છે. આ માટે કલેક્ટરો તથા DSPને જવાબદારી સોંપવામાં આવેલી છે.પોલીસ દ્વારા આ પ્રકારના ઓક્સિજનની ટેન્કોને લાવવા-લઈ જવા માટે પાઈલોટિંગની સેવા આપવામાં આવે છે.આપણે દરેક જિલ્લામાં લેબોરેટરી વધારી રહ્યા છીએ. સરકારના આરોગ્ય વિભાગે પણ લેબોરેટરી અને સેમ્પલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને મશીનો વધાર્યા છે. ખાનગી લેબોરેટરીઓને પણ ઝડપથી મંજૂરી આપી રહ્યા છીએ, જેથી ટેસ્ટિંગની ઝડપ વધે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને કોવિડ હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેક્શનો પૂરા પાડવાની વ્યવસ્થા કરાઈ છે. રોજના 20000ની આજુબાજુની સંખ્યામાં ઈન્જેક્શનો જિલ્લાઓ અને મહાનગરોને મોકલીએ છીએ. સરકારી હોસ્પિટલોમાં આ ઈન્જેક્શનો મફત અપાય છે અને ખાનગી હોસ્પિટલોમાં જરૂર મુજબ તેને મોકલવામાં આવે છે.લોકડાઉન અંગે નિષ્ણાતોના જુદા જુદા અભિપ્રાય આવે છે. જો માસ્ક પહેરો, સાબુથી હાથ ધોવો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો તો લોકડાઉનની જરૂર નથી. લોકડાઉન કરવાથી કોરોનાની ચેઈન તૂટે છે તેવું કોઈ પ્રમાણ મળ્યું નથી.રાત્રિના સમયે લોકો ઘરોની બહાર બેસીને વાતચીત કરવા બેસતા હોય છે એવામાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે.