મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 23 મે 2023 (17:16 IST)

અમદાવાદમાં 26 વર્ષના પુત્રએ પિતાને કહ્યું ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરો તો જાનથી મારી નાંખીશ

શહેરમાં કપાતર પાકેલા પુત્રનો કિસ્સો સામે આવ્યો છે. ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરાતા તે માતા અને પિતાને જેમ તેમ બોલતો હતો. તેણે પિતાને ગાળો બોલતા પિતાએ ટોક્યો હતો પછી ઉશ્કેરાઈને પુત્રએ પિતાને માર માર્યો હતો અને ધમકી આપી હતી કે, તમે મારા ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરો તો હું જાનથી મારી નાંખીશ. ગભરાયેલી માતાએ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના આનંદનગરમાં રહેતા શશાંકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદમાં જીએમડીસીમાં આસિસ્ટન્ટ એડવાઈઝર તરીકે કામ કરે છે. તેઓ સાંજે ચાર વાગ્યે નોકરીથી ઘરે આવ્યા ત્યારે તેમને પુત્ર હર્ષ તેની માતાને મારા ક્રેડિટ કાર્ડના પૈસા કેમ ભરતા નથી તેમ કહીને મન ફાવે તેમ બોલતો હતો. જેથી પિતા શશાંકભાઈએ તેને સમજાવવા જતાં તે ઉશ્કેરાયો હતો અને પિતાને ગાળાગાળી કરવા માંડ્યો હતો. 
 
પિતાએ ગાળો બોલવાની ના પાડતાં જ તેણે પિતાને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ તેણે પિતાને ધમકી આપી હતી કે, તમે મારા ક્રેડિટ કાર્ડના પૈસા નહીં ભરો તો હું તમને જાનથી મારી નાખીશ. તેની ધમકીથી પિતા અને માતા ગભરાઈ ગયા હતાં. જેથી માતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી. પોલીસે પિતા અને પુત્રને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં. જ્યાં પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.