શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (09:32 IST)

રાજકોટમાં સવારે મલેરિયાથી દાદીએ દમ તોડ્યો તો સાંજે તાવથી પૌત્રએ અંતિમ શ્વાસ લીધા

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં 67 વર્ષના દાદીએ સવારે દમ તોડી દીધા બાદ સાંજે 9 વર્ષના પૌત્રએ પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. પરિવારે એક જ દિવસમાં બબ્‍બે સ્‍વજન ગુમાવતાં વજ્રઘાત થયો હતો. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં મલેરિયા રોગ હેઠળ સારવાર ચાલી રહી હતી. જ્યારે પૌત્ર પણ તાવ-કળતરથી પીડાતો હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નીપજ્યું હતું.જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 1માં રહેતાં ઉષાબેન નટવરલાલ પીઠડિયા નામના વૃદ્ધાને કેટલાક દિવસથી તાવ જેવું હોય તેમને ગયા શનિવારે ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

જેમાં તેને મલેરિયાની અસર હોવાનું નિદાન થયા બાદ સારવાર ચાલુ હતી. પરંતુ ગઇકાલે સવારે તેમણે અંતિમ શ્વાસ લઇ લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારના સભ્‍યોએ સવારે ઉષાબેનની અંતિમવિધી આટોપી હતી અને માંડ સાંજ પડી હતી ત્‍યાં ઉષાબેનના પૌત્ર દ્વારકેશ ધર્મેશભાઇ પીઠડિયાની તબિયત બગડતાં બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું પણ ટૂંકી સારવારને અંતે મોત નીપજતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.દ્વારકેશ બે ભાઇમાં મોટો હતો અને ધોરણ 4માં અભ્‍યાસ કરતો હતો. તેની માતાનું નામ જયશ્રીબેન છે. પિતા ધર્મેશભાઇ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ધર્મેશભાઇએ જણાવ્‍યું હતું કે હજુ તો ગઇકાલે સવારે જ મેં માતાની અંતિમવિધી નિપટાવી હતી ત્‍યાં સાંજે મારા લાડકવાયા એવા કંધોતરને જ મારે કાંધ દેવાની વેળા આવી પડી હતી. દ્વારકેશને બે-ત્રણ દિવસથી તાવ હોય દવા લીધી હતી. એ પછી તેણે હાથ-પગ દુઃખતા હોવાની ફરિયાદ કરી હતી અને ગત સાંજે અચાનક જ તેની તબિયત બગડતાં અમે હોસ્‍પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તેનો જીવ બચી શક્‍યો નહોતો.ધર્મેશભાઈના પિતા નટવરલાલે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે મારી પત્ની ઉષાબેનને પદ્મકુંવરબા હોસ્પિટલમાં દાખલ કરી હતી. સોમવારે હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે તમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જાવ. સોમવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પણ રાત્રે જ તેનું અવસાન થયું હતું. મારા પૌત્ર દ્વારકેશને ત્રણ દિવસ જ તાવ આવ્યો હતો. મંગળવારે સાંજે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેણે દેહ છોડી દીધો હતો. પીએમમાં એવો રિપોર્ટ આવ્યો કે ડબલ ન્યૂમોનીયાથી તેનું અવસાન થયું છે. પરંતુ મારી પત્નીનું અવસાન કેમ થયું તે અંગે હજુ કઈ કહેવામાં આવ્યું નથી.