ગુજરાતમાંથી પાકિસ્તાન ડાયસ્ટફની નિકાસ કરનારાઓના રૂા.1000 કરોડ સલવાયા

gujarat dystuff
Last Modified શનિવાર, 10 ઑગસ્ટ 2019 (16:32 IST)

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ હટાવવાના મુદ્દે વધેલા ટકરાવને કારણે ભારત સાથેનો વેપાર બંધ કરી દેવાના પાકિસ્તાનના નિર્ણયને પરિણામે ગુજરાતના ડાયસ્ટફના બિઝનેસ સાથે સંકળાયેલા ઉત્પાદકોના રૂા.1000 કરોડથી વધુ સલવાઈ ગયા છે. વેપારના દરવાજા ન ખુલે અને પેમેન્ટ અટકી જાય તો ઘણાં ઉત્પાદકો આર્થિક રીતે અદ્ધર થઈ જાય તેવો ખતરો ઊભો થયો છે.

પાકિસ્તાનની બેન્કોએ આ નાણાં આપવાનું અટકાવી દીધું હોવાથી તેમનો ભય વધ્યો છે. તેથી અનેક લોકો તેની માઠી અસરનો ભોગ બને તેવો ખતરો છે. માત્ર પાકિસ્તાન સાથે જ વેપાર કરીને નભતા એકમોએ નવા વિકલ્પો શોધવા માટે સંઘર્ષ કરવો પડશે.


ટેક્સટાઈલ ડાઇંગ સાથે સંકળાયેલા પાકિસ્તાનના ઉદ્યોગને ડાઈઝનો સપ્લાય બહુધા અમદાવાદ અને વટવાના ઉત્પાદકો તરફથી આપવામાં આવી રહ્યો છે. તેમના વેપારમાં ત્રણથી ચાર મહિનાની ક્રેડિટ આપવામાં આવી રહી છે. ગુજરાતમાંથી એગ્રોકેમિકલ્સ, ડાઈ ઇન્ટરમિડિયેટ્સ, ડાઈઝ, ઈનઓર્ગેનિક કેમિકલ્સ અને ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ કરવામાં આવે ચે.

ભારતમાંથી 20018-19ના વર્ષ દરમિયાન આ પાંચેય વસ્તુઓની મળીને કુલ રૂા. 3265.30 કરોડની નિકાસ કરવામાં આવી છે. તેમાંથી વન થર્ડ એમાઉન્ટ હજી રિકવર કરવાનું બાકી છે. આ સંજોગોમાં વેપાર બંધ થઈ જતાં તેમની હાલત એકદમ ગંભીર થઈ ગઈ છે. જોકે અત્યાર સુધીમાં તેમને ક્યારેય પેમેન્ટ મેળવવામા ંતકલીફ પડી નથી.

ડાયસ્ટફ એસોસિયેશનના હોદ્દેદારોનું કહેવું છે કે ગુજરાતમાંથી ડાઈઝની એક્સોપોર્ટ કરનારાઓ હવે પાકિસ્તાનનો ટેક્સટાઈલ ઉદ્યોગ દુબઈ કે પછી શ્રીલંકા જેવા અલગ પોર્ટથી તેની આયાત કરવાનું આયોજન કરે તો દરવાજા ખુલી શકે છે. પરંતુ તેમાં ગુડ્સના ઓરિજિનના સર્ટિફિકેટ્સનો સવાલ ઊભો થઈ શકે છે.

તેમ કરવામાં આવે તો વેપાર બંધ કરવા પાછળનો પાકિસ્તાનનો મૂળભૂત ઉદ્દેશ જ માર્યો જતો હોવાથી તેમ થવાની સંભાવના બહુ જ ઓછી છે. તેથી તેમની ચિંતા વધી રહી છે. તેમના પેમેન્ટ અટવાઈ જવાનો ભય તેમને કોતરી રહ્યો છે. નાના અને મધ્યમ કદના ઉત્પાદકોને તેનાથી મોટો ફટકો પડવાની સંભાવના રહેલી છે.

તેમણે કહ્યું હતું કે આજની તારીખે વાઘા બોર્ડર પર 2000 ટનથી વધુ માલ પડયો છે. તે પાછો લાવવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો બોજ પણ તેમને માથે આવે તેમ છે. તેના પર 18 ટકા ડયૂટી ભરવાનો બોજ પણ તેમને માથે આવી શકે છે.


આ પણ વાંચો :