મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (12:11 IST)

જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી, કહ્યું-લડવા ન માગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું

ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. તેઓ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાશે એમ ભાજપનાં સૂત્રોનું કહેવું છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચે આજે જયરાજસિંહ સોશિયલ મીડિયા પર એક પત્ર પણ પોસ્ટ કર્યો છે. આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવક્તા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર એકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો મતલબ તેમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો છે.મારા સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો, આપસૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશાં મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દિલ અને દિમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું. પક્ષે શું આપ્યું એની પરવા કર્યા સિવાય મેં પક્ષને મારું સર્વસ્વ સોંપી દીધું હતું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે, એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનું કર્તવ્ય નિભાવ્યું. વિદ્યાર્થી કાળે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દિન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલટી દિશામાં પતંગ ચગાવવા જેવી કપરી કામગીરી પૂરી શક્તિ અને ક્ષમતાથી કરતો રહ્યો છું.