શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (12:08 IST)

ઉત્તરાયણના બે દિવસમાં પતંગોના દોરાએ 51 પક્ષીઓની કાપી જીવાદોરીઃ 964 ઘાયલ

સૌરાષ્ટ્રમાં મકર સંક્રાંતિનું પર્વ માસુમ પારેવડા માટે પ્રાણઘાતક રહ્યું હતું. આખો દિવસ આકાશમાં પતંગોનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું અને પક્ષીઓ માટે તો જાણે કરફ્યુ લદાઈ ગયો હતો. પરિણામે ઉત્તરાયણે પણ ઉડવાની હિંમત કરનાર ૫૧ પક્ષીઓ પતંગના કાતિલ દોરાથી કપાઈને મોતને ભેંટયા હતા તો ૯૬૪ જેટલા પક્ષીઓ ઘવાયા હતા. જેમાં સૌથી વધુ શાંતિદૂત કબૂતરો શિકાર બન્યા હતા. જો કે, એનિમલ હેલ્પલાઈન સહિતની સંસ્થાઓના પક્ષીપ્રેમી કાર્યકરોએ નોન-સ્ટોપ રેસ્ક્યુ ઓપરેશનો ચાલુ રાખીને ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે ખસેડી નવજીવન આપ્યું હતું.

રાજકોટમાં મકરસંક્રાંતિના દિને સવારથી સાંજ સુધી આકાશ પતંગોથી ઘેરાયેલું રહ્યું હતું. પરિણામે પતંગના કાતિલ દોરાથી અનેક પક્ષીઓના પાંખો, ગળા, પગ કપાયા હતા. રાજકોટમાં કરૂણા ફાઉન્ડેશન અને ૧૯૬૨ નંબરની એનિમલ હેલ્પલાઈન સહિતની સંસ્થાઓનાં કાર્યકરો દિવસભર પક્ષીઓનાં રેસ્ક્યુ માટે દોડધામ કરતા રહ્યા હતા. જેમાં કબૂતર, હોલા, સમડી, કોયલ જેવા ૬૮૪ પક્ષીઓ ઘાયલ અવસ્થામાં મળતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે ૨૭ પક્ષીઓના મોત પણ થયા હતા. જેમાં મોટાભાગના કબૂતર હતા.

જામનગર શહેરમાં ગઈકાલે લોકોએ જોશભેર પતંગબાજીની મોજ માણી હતી. આ દરમિયાન ૬૧ પક્ષીઓ પતંગના કાતિલ દોરાની ઝપટે ચડયા હતા. જેમાં ૨૮ કબૂતરો, ૫ સીગલ, ૧-૧ કોયલ, બ્લેક વિન્ટેડ સ્ટીલ્ડ, ગ્રેટર ફ્લેમીંગો, ઈગ્રેટ, આઈલીશ, ડક અને કુંજ સહિતના ૬૧ પક્ષીઓને ગરદન, પાંખ, પગ વગેરે ભાગોમાં ઈજા થઈ હતી. જે તમામને બર્ડ હોસ્પિટલે લવાયા હતા. જેમાંથી બે કબૂતરો અને એક સીગલ પક્ષીનાં મોત થયા હતા.

પોરબંદર જિલ્લામાં મકરસંક્રાંતે વનવિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાઓના સભ્યોની જહેમત રંગ લાવી હતી અને જનજાગૃતિના કારણે અગાઉના વર્ષો કરતા ખુબ ઓછા પક્ષીઓ પતંગના કાતિલ દોરાનો શિકાર બન્યા હતા. આમ છતાં પોરબંદરમાં મકરસંક્રાંતિના પર્વ દરમિયાન અનેક પક્ષીઓની લાશો જળાશય આસપાસ રઝળતી જોવા મળી હતી તો કેટલાક પક્ષીઓના મૃતદેહોને કુતરાઓએ ચુંથી નાખીને મીજબાની માણી હતી.

ખાસ કરીને કર્લી જળાશય આજુબાજુનો વિસ્તાર, છાંયા રણ વિસ્તાર, પક્ષી અભ્યારણ્યની આજુબાજુનો વિસ્તાર તેમજ કુતિયાણા નજીક અમીપુર ડેમ અને કુછડી તથા મીંયાણી નજીકના વિસ્તારોમાં પણ એ જ રીતે પક્ષીઓના મૃતદેહો રઝળતા જોવા મળ્યા હતા. પક્ષી અભ્યારણ્ય ખાતે ૧૨૫થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓને લાવવામાં આવ્યા હતા.

જેમાંથી કેટલાક પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે. પોરબંદરમાં ગઈકાલે સાંજ સુધી પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ જ્યારે સૂર્યાસ્ત બાદ ફટાકડા ફૂટવાના બનાવો વધ્યા તેની સાથોસાથ પક્ષીઓ સળગવાના બનાવો પણ બન્યા હતા. ઉતરાયણ પર્વે ૧૫ જેટલા પક્ષીઓના મોત થયાનો પણ અંદાજ છે.

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે મકર સંક્રાંતિ નિમીતે પતંગના દોરાના લીધે કબુતર, સમડી, ઘુવડ, પેલીકન, ટીટોડી જેવા ૨૩ પક્ષીઓને ઈજા થઈ હતી. જેમાંથી એક પક્ષીનું મોત થયું હતું. આ અંગે એસીએફ બી.કે. ખટાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાંથી ૨૩ પક્ષી વનતંત્ર પાસે સારવારમાં આવ્યા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. ૧૨ને સારવાર આપી મુક્ત કરાયા હતા. જ્યારે ૧૦ હજુ સારવાર હેઠળ છે.

અમરેલીમાં ઉતરાયણના પર્વે એક દિવસમાં પતંગના દોરાથી ૧૫ કબુતરો અને બે ચકલી ઘાયલ થયા હતા. જેમને સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયા હતા.

દ્વારકા જિલ્લામાં મકરસંક્રાંતના દિવસે એનિમલ હેલ્પલાઈન તથા પક્ષીપ્રેમી યુવાનોએ પતંગના દોરાથી ઘાયલ થયેલા ૧૧ જેટલા કબુતર સહિતના પક્ષીઓના રેસ્ક્યુ કર્યા હતા. એક કબુતરનું મોત પણ થયું હતું. જો કે, સરકારી ચોપડે માત્ર બે ઘાયલ પક્ષી નોંધાયા હતા.

સોમનાથ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે આ વખતે સૌથી ઓછા પક્ષીઓ ઘવાયા હતા. જેમાં વેરાવળમાં ત્રણ પક્ષીઓ દોરાથી ઈજા પામ્યાનું અને એક પણ મોત નહીં થયાનું એનિમલ હેલ્પલાઈનમાં નોંધાયું હતું.