સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શુક્રવાર, 14 જૂન 2024 (18:29 IST)

વરસાદની આગાહી વચ્ચે જાણો ગુજરાતના ડેમોમાં કેટલું પાણી બચ્યું છે?

sardar sarovar
ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે.ચોમાસાના દસ્તક વચ્ચે હવામાન ખાતાએ શરૂઆતમાં જ ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયાની જાહેરાત કરીને આમ આદમીની ચિંતા વધારી દીધી છે.જો રાજ્યમાં વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને નર્મદાના ભરોસો રહેવું પડી શકે છે. રાજ્યમાં 202 ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં હોવાની વિગતો સામે આવી છે. ખેડૂતોને પણ વાવણી માટે હજી રાહ જોવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
 
કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની કટોકટી સર્જાઈ શકે
બીજી તરફ રાજ્યમાં જો વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ ત્રણેય ઝોનને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડી શકે છે. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી જળાશયોમાં પાણી સુકાઈ ગયાં છે. જેના કારણે પીવાના અને સિંચાઈ માટેના પાણી માટે મોટી તકલીફોનો સામનો કરવો પડે એમ છે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો  અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
gujarat dam
gujarat dam
રાજ્યના 207 ડેમમાં 39.92 ટકા પાણી બચ્યું છે
આજની તારીખે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.91 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 32.60 ટકા, કચ્છના 20 ડેમમાં 23.36 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 13.28 ટકા અને સરદાર સરોવરમાં 56.35 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલ માત્ર 39.92 ટકા પાણી છે. રાજ્યમાં હાલમાં એક જ ડેમ એવો છે જેમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. 202 ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઉકળાટ અને બફારાના કારણે સૌરાષ્ટ્રના જળાશયો ઝડપભેર ખાલી થઇ રહ્યા છે. દસ દિવસમાં જ 85 જળાશયોનું સ્તર 69.22 ટકામાંથી ઘટીને 49.67 ટકા થતાં સરેરાશ 3.91 ટકનો ઘટાડો થયો છે.