રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (09:44 IST)

જાણો કેમ આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી 29 બેઠકો, ભાજપ અને કોંગ્રેસ માટે પડકારરૂપ છે

congress-bjp
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ આમ આદમી પાર્ટીએ 29 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાંથી 5 બેઠક એવી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5 હજારથી વધુ મતથી જીતી શક્યા નથી. એમાં પણ ખાસ કરીને દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં પાંચ હજાર કરતાં ઓછા મતથી જીત્યા છે.

ભાજપ અને કોંગ્રેસ બંને માટે AAPના હાલમાં જાહેર થયેલા 29 બેઠકના ઉમેદવારો પડકારરૂપ બની શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા એવી સીટો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું ફોકસ સૌરાષ્ટ્ર અને સુરતના પાટીદાર ફેક્ટર પર છે. વેપારી, ખેડૂત અને આદિવાસી આગેવાનનોને આપની ટિકિટ મળતાં ભાજપ અને કોંગ્રેસમાં હવે એક પ્રકારનો ડર પ્રસરી રહ્યો છે.2017ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખનાબેન પટેલે 1 લાખ 10 હજારથી વધુ મતે જીત મેળવી હતી. એ ઉપરાંત અમદાવાદની નરોડા બેઠક પર ભાજપના બલરામ થાવાણીએ 60,142 મતથી જીત મેળવી હતી.

રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ગોવિંદભાઇ પટેલ 47,121 મતથી વિજયી થયા હતા, જ્યારે બારડોલી બેઠક પર ભાજપના ઈશ્વરભાઈ પરમાર 34,854 મતથી જીત્યા હતા. કામરેજ ભાજપના વી.ડી. ઝાલાવડિયાનો 28191 મતથી વિજય થયો હતો. બેચરાજી બેઠક પર કોંગ્રેસના ભરત ઠાકોરે ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 15811 મતથી હરાવ્યા હતા. એકમાત્ર દિયોદર બેઠક એવી છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અંતે કોંગ્રેસના શિવાભાઈ ભૂરિયાએ ભાજપના ઉમેદવારને માત્ર 972 મતથી પરાજય આપ્યો હતો.આમ આદમી પાર્ટી હાલમાં જે 29 બેઠકો જાહેર કરી છે તેમાં પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે, જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે. બીજી તરફ વાંકાનેર બેઠક એવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર પીરજાદા માત્ર એક હજારથી વધુ મતે જીત્યા હતા. આ બેઠક પર ભારે ટક્કર જોવા મળી હતી.


હવે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર વિક્રમભાઈ સોરાણીને ટિકિટ આપી છે. જેથી ભાજપ અને કોંગ્રેસને આ બેઠક આ વખતે પડકારરૂપ સાબિત થાય એમાં નવાઈ નથી, કારણ કે આ વિસ્તારમાં વિક્રમ સોરાણીનું નામ સામાજિક કાર્યકર તરીકે જાણીતું છે. આમ આદમી પાર્ટીએ ખાસ કરીને વેપારી, ખેડૂત અને આદિવાસી આગેવાનનોને ટિકિટ આપી છે.વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું એ સમયે હાલના ભાજપના કાર્યકર હાર્દિક પટેલે ચાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચારેય ઉમેદવારોને લઈ રોડ શો પણ કર્યો હતો, પરંતુ આ ચારેય બેઠક પર પાટીદાર સમાજના લોકોએ ભાજપના ઉમેદવારોને જિતાડયા હતા. વર્ષ 2022માં આમ આદમી પાર્ટી પણ ઉત્સાહભેર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. જે રીતે પાટીદાર મત વિસ્તાર ગણાતા વરાછા, કરંજ ,કામરેજ વિસ્તારના વૉર્ડમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. એનાથી સ્પષ્ટ થઇ જાય છે કે ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે.આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે. તેઓ મોટે ભાગે સૌરાષ્ટ્ર અને સુરતમાં અવરજવર કરી રહ્યા છે. રાજકોટ અને સુરતમાં તેમણે લોકોને વીજળી અને શિક્ષણની ગેરંટી આપી હતી. એ ઉપરાંત સોમનાથનાં દર્શન કરીને હિન્દુ કાર્ડની પણ લહેર ઊભી કરી હતી. તે ઉપરાંત અમદાવાદમાં પણ તેમણે મહિલાઓ માટે તેમજ પોલીસકર્મીઓ માટેની ગેરંટી જાહેર કરી હતી. કેજરીવાલની નજર ખાસ કરીને પાટીદાર અને આદિવાસી મતો પર છે