સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (10:18 IST)

રૂપાણીએ તાશ્કંદમાં સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની લીધી મુલાકાત, વિઝીટર બુકમાં લખ્યો સંદેશો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો. મુખ્યમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીના નામ સાથે જોડાયેલી આ શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ પૂષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. તેમણે શાળામાં શાસ્ત્રી મેમોરિયલની પણ મૂલાકાત કરી હતી.
 
વિજય રૂપાણીએ મેમોરિયલ મૂલાકાત બાદ વિઝીટર બૂકમાં પાઠવેલા સંદેશામાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીને હ્વદયપૂર્વક ભાવભીની અંજલિ આપતાં લખ્યું કે, આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આપણને આ સ્કૂલ - મેમોરિયલ કરાવતા રહેશે. 
વિજય રૂપાણીએ વિઝીટર બૂકમાં હિન્દી ભાષામાં જે સંદેશો પાઠવેલો છે તે આ મુજબ છે. 
‘‘મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત આપણા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય શ્રી લાલબહાદૂર  શાસ્ત્રીજીને સમગ્ર દેશવાસીઓ તરફથી નમન કરૂં છું. તેઓ સ્વભાવે વિનમ્ર, કર્મઠ, ઇમાનદાર, સ્વાભિમાની અને સાદગી પસંદ વ્યકિત હતા. મોટા પદ પર રહેવા છતાં તેઓ હંમેશા જમીનથી જોડાયેલા રહ્યા. 
 
સ્વ. શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તરીકે ભારતના સામાજિક અને આર્થિક વિકાસને આગળ ધપાવવામાં અતૂલનીય યોગદાન આપેલું છે. શાસ્ત્રીજીનો ‘‘જય જવાન-જય કિસાન’’નો નારો આજે પણ યુવાશકિતના મન-ચિત્તમાં જોશ અને ઉમંગની નવી લહેર ઊભી કરી દે છે. 
સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીજીએ કવેળાએ આપણી વચ્ચેથી વિદાય લીધી, પરંતુ દેશ માટે એમના ત્યાગ અને સમર્પણે ભારતના હરેક ઘરમાં તેમને જીવીત રાખ્યા છે. આ જ કારણથી શાસ્ત્રીજી પ્રત્યેક ભારતીયના દિલમાં વસી ગયા છે. 
 
એમના કાર્યો, વિચારો અને આદર્શોમાંથી આજે પણ ભારતીય પેઢીઓ પ્રેરણા મેળવે છે. ભારતીયોનો તાશ્કંદની ભૂમિ સાથે એક અલગ અને ગાઢ સંબંધ છે. આ જ ધરતી પર આપણા પૂજનીય શાસ્ત્રીજીનું દુઃખદ નિધન થયું હતું. 
 
આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આ સ્કૂલ આપણને કરાવતી રહેશે. એક ભારતીય તરીકે મારી આ યાત્રા બહુ જ વિશેષ છે અને હું સૌ ભારતીયો વતી મહાન નેતા સ્વ. લાલબહાદૂર  શાસ્ત્રીજીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરૂં છું’’ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના સભ્યો સમક્ષ સ્કૂલના બાળકોએ હિન્દી ભાષામાં સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરી હતી. 
વિજય રૂપાણી બાળકોને પ્રત્યક્ષ મળ્યા હતા અને સંવાદ કર્યો હતો.