રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2019 (12:18 IST)

ગાંધી આશ્રમથી કીર્તિ મંદિર પોરબંદર સુધી નિકળી પ્રાકૃતિક ચિકિત્સા યાત્રા, જાણો શું છે હેતુ

રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રકૃતિના અનુશાસનમાં રહીને પ્રકૃતિને સહાયકારી બનીને જીવન જીવનારા હંમેશા સ્વસ્થ રહે છે. પ્રકૃતિની સાથે જોડાવું એ જીવન છે અને પ્રકૃતિથી વિમુક્ત થવું એટલે મૃત્યુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ તકે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા પ્રકૃતિ સાથે જોડાઇને સાત્વિક જીવન અને નિરામય આરોગ્ય પ્રાપ્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિ ચિકિત્સાથી જીવનમાં સાત્વિકતા જળવાય છે.પ્રાકૃતિક ચિકિત્સાથી આદ્યાત્મિક ભાવ, પરોપકાર, અહિંસા, કરૂણા, સત્યા જેવા સદગુણોનો વિકાસ થાય છે. જેના કારણે દ્વેષ, ઇર્ષા જેવા વિચારો કે આતંકવાદ જેવી હિંસાત્મક પ્રવૃત્તિથી છુટકારો મેળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા રોગ મુક્તિના પોતાના સ્વાનુભવને વર્ણવીને આ ચિકિત્સા પદ્ધતિની મહત્તા સમજાવી હતી. 
 
મહાત્મા ગાંધીજી દ્વારા પ્રાકૃતિક ચિકિત્સાના કરવામાં આવેલા પ્રયોગો અને ઉરૂલીકાંચનમાં તેમણે સ્થાપેલા પ્રાકૃતિક ચિકિત્સાલયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ ચિકિત્સા સામાન્યમાં સામાન્ય માનવીને પણ પરવડે તેવી અસરકારક ચિકિત્સા છે. તેમણે આ પ્રસંગે ખોરાકમાં પથ્યાપથ્યને સમજાવી ઉપવાસના ફાયદા પણ વર્ણવ્યા હતા. 
 
આ પ્રસંગે બેટી બચાવો-બેટી પઢાઓ, જળ સંરક્ષણ, નશામુક્તિ, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક કૃષિ જેવા જન અભિયાનો વિશે માહિતી આપી દરેક નાગરિકોને આ અભિયાનમાં જોડાવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-વાયુ અને જમીન સાથે સાથે ખાદ્યાન્નોને પણ દુષિત કરવાથી માનવીનું સ્વાસ્થ્ય જોખમાયું છે. પ્રાકૃતિક કૃષિથી ઝેરમુક્ત ખાદ્યાન્નો મળે છે. સ્વાસ્થ્ય રક્ષા સાથે પર્યાવરણની પણ રક્ષા થાય છે. 
 
સાબરમતી આશ્રમથી શરૂ થઇ રહેલી આ પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા ગુજરાતના ૧૫ જિલ્લામાંથી પસાર થઇ પ્રાકૃતિક ચિકિત્સા દિન એટલે કે ૧૮મી નવેમ્બરે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સંપન્ન થશે. ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને સૂર્યા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ યાત્રાને ઓર્ગેનાઇઝેશનના જોઇન્ટ જનરલ સેક્રેટરી ડૉ. વિનોદ કશ્યપે સમાજ સેવક જયપ્રકાશ અગ્રવાલ દ્વારા હાથ ધરાયેલી સફળ ઝુંબેશના ભાગરૂપ ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રા આવનારા દિવસોમાં યોજાનારી પ્રાકૃતિક ચિકિત્સાની ભારત યાત્રા માટે પ્રેરણારૂપ સાબિત થશે.