મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (12:10 IST)

દિલ્હી પબ્લિક સ્કુલે કોરોના સામે લીધા સાવચેતીના પગલાં, વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યા આ સલાહ-સૂચનો

સીઓવીઆઇડી-19 (કોરોના વાઇરસ)ના સતત ફેલાતાં જઈ રહેલા રોગચાળાને ધ્યાનમાં લઈ દિલ્હી પબ્લિક સ્કુલ - બોપલએ સાવચેતીના કેટલાક મહત્ત્વના પગલાંઓ લીધાં છે તથા શાળાના બાળકોમાં આ ચેપને ફેલાતો અટકાવવા માટે ડબ્લ્યુએચઓના સલાહ-સૂચનો અને એફએક્યૂ (વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્નો)ને શાળાના પોર્ટલ અને વૉટ્સએપ મેસેજિસ મારફતે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરાં પાડ્યાં છે. 
 
મહત્ત્વપૂર્ણ રીતે, ફ્રન્ટ ઑફિસ રીસેપ્શન અને શાળાના ક્લિનિક સહિત સમગ્ર પરિસરની અંદર સુગમ સ્થળોએ આલ્કોહોલ આધારિત હેન્ડ રબ્સ/સેનિટાઇઝર્સ મૂકવામાં આવ્યાં છે. શાળાએ જતાં બાળકો સીઓવીઆઇડી-19ના ચેપ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાથી તમામ વિદ્યાર્થીઓને હાથની સ્વચ્છતા જાળવવા માટે પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર્સ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે. લાઇફ સ્કીલના વર્ગોમાં બાળકોને હાથને ધોવા સંબંધિત વીડિયો પણ નિયમિતપણે દેખાડવામાં આવે છે. 
 
શાળાની દૈનિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વીડિયો મારફતે હાથ ધોવાના મહત્ત્વ અને હાથ ધોવાના સ્ટેપ્સ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને હાથ નહીં મિલાવવા/નહીં પકડવાની, પોતાના ચહેરાને વારંવાર નહીં સ્પર્શવાની તથા કોઇપણ ચેપથી બચવા માટે પોતાની જ વોટર બોટલ અને કટલરીનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
 
શાળાના પરિસરને સમયાંતરે જંતુનાશક દ્રાવણ વડે સંપૂર્ણપણે સાફ કરવામાં આવે છે. આ પ્રકારના લક્ષણો ધરાવતા બાળકોને તાત્કાલિક તબીબી સારવાર લેવાની ચુસ્ત સલાહ આપવામાં આવી છે અને શાળામાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. શાળાની પરીક્ષા સંબંધિત નીતિ મુજબ, શાળા તબીબી કારણોસર પરીક્ષા નહીં આપી શકેલા કોઇપણ વિદ્યાર્થીને ‘ફરીથી પરીક્ષા’ આપવાની તક પૂરી પાડે છે.