મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (08:07 IST)

આજથી બે દિવસ વિધાનસભાનું સત્ર મળશે, કોંગ્રેસ સરકારને ઘેરશે, ગૃહમાં 4 વિધેયક લવાશે

રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું સત્ર 27 સપ્ટેમ્બરથી મળશે. આ સત્રમાં વિવિધ 4 કાયદા, સુધારા કાયદાઓ આવશે. બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષમાં ઉમેદવાર ઊભો રાખતા ચૂંટણી નિશ્ચિત થઈ ગઈ છે. ઉપરાંત કોંગ્રેસ કોવિડ સારવાર, મૃતકોને સહાય, વાવાઝોડા,અતિવૃષ્ટિ સહિતના મુદ્દે ગૃહમાં વિરોધ વ્યક્ત કરશે. બે દિવસીય સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 અને જીએસટી સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક, 2021 અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક એમ 4 વિધેયક લવાશે. આ ચાર વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ છે.

આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી. વિધાનસભા અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની પસંદગી નક્કી થઈ છે, પણ જોગવાઈ પ્રમાણે ગૃહ શરૂ થાય એટલે સૌ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકશે અને પછી સર્વાનુમતે તેમની વરણી થશે. આ પછી ગૃહની કાર્યવાહીનો આરંભ થશે. કોંગ્રેસ ગૃહની શરૂઆતમાં કોવિડ-19ના મૃતકોને સામૂહિક પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસ્તાવ લાવશે. આ પછી કોવિડ સારવારમાં બેદરકારી, કોવિડ મૃતકો પરિવારજનોને 4 લાખની સહાય, તાઉતે વાવાઝોડાની સહાય, જામનગર સહિતના 4 જિલ્લામાં અતિવૃષ્ટને કારણે નુકસાનીમાં સહાય, મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ ઉગ્ર રજૂઆતો કરશે તેમ વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.