શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (11:16 IST)

માછલી પાણી વગર તરફડે તેમ કોંગ્રેસ સત્તા વગર તરફડે છે - મંત્રી જીતુભાઈ વાઘાણી

વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોય તો કૉંગ્રેસ તેના આધાર પુરાવાઓ લોકો સમક્ષ રજૂ કરે-  પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી
 
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસને પડકાર કર્યો છે કે, વન રક્ષકની પરિક્ષાનું પેપર ફૂટી ગયું એવો વિપક્ષ આક્ષેપ કરતો હોય તો તેને આના આધાર પૂરાવાઓ લોકો સમક્ષ રજુ કરવા જોઇએ.  “પોતે ફુટેલા હોય એમને બીજા ફૂટેલા જ લાગે” તેવો મત વ્યક્ત કરતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર ઉપર ખોટા આક્ષેપો મુકનારી કોંગ્રેસ સત્તા વિના બેબાકળી બની ગઇ છે.
 
પાણી વિના તરફડતી માછલીની જેમ કોંગ્રેસ તરફડે છે, પરંતુ ગુજરાતની જનતા-જનાર્દન ૨૦૨૨ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જાકારો આપશે અને ભાજપાનું સમર્થન કરશે એવો મક્કમ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જીતુભાઇ વાઘાણીએ વનરક્ષક પરિક્ષાના સંદર્ભમાં વિરોધ પક્ષે રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની અને વિધાનસભા ગૃહમાં કરેલા દેખાવોની આકરી આલોચના કરી હતી.  
 
તેમણે ઉમેર્યું કે, ગઇ કાલે વનરક્ષકની પરીક્ષા યોજાઇ તેનું પેપર ફૂટ્યું નથી, એ કોપી કેસ-ચોરીનો કેસ છે. પેપર ફૂટ્યાની કોઇ માહિતી અમને મળી નથી. કોંગ્રેસ પાસે હોય તો રજુ કરે તો તે દિશામાં પણ અમે નક્કર પગલા ભરવા કટિબદ્ધ છીએ.  
 
પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ કેસમાં જે લોકોની સંડોવણી છે તેમની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આકરી કલમો લગાવી જામીન પણ ન મળે તેવી કડક કાર્યવાહી સાથે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ગુનેગારોને સખત સજા માટે સુચનાઓ આપી છે.   
 
જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ જ્યારે આવી ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે ત્યારે સરકારે સખત પગલા લીધા જ છે. કોંગ્રેસીઓના શાસનમાં તો નોકરીઓમાં  સગાવાદ ભાઇ-ભતિજા વાદ ચાલતો એમ પણ તેમણે ઉમેર્યું હતું.
 
જીતુભાઇ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના હાથમાં રાજ્યનું સુકાન આવ્યું ત્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો પારદર્શી પદ્ધતિએ લેખીત પરીક્ષા, ઇન્ટરવ્યું વગેરે યોજીને યોગ્ય લાયકાતના આધારે જ નોકરીની તકો આપતી આવી છે.
 
રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર છે તેવું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાત દેશનું હબ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીકાળથી લઇને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના શાસન સુધીમાં સૌથી વધુ જી.આઇ.ડી.સી. ગુજરાતમાં નિર્માણ કરવામાં આવી છે. યુવાનોને રોજગારી આપવાનું ભગીરથ કાર્ય પણ ભા.જ.પા. સરકારના શાસનમાં થયું છે.
 
તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, વિપક્ષ કોંગ્રેસને ખોટા આક્ષેપો, ગતકડા ઉભા કરીને વિધાનસભાગૃહમાં વિરોધ દર્શાવી લોકોની નજરમાં રહેવાના કારસા જ કરવા છે.
ગુજરાતની શાણી-સમજુ પ્રજાને ભારતીય જનતાપાર્ટીની સરકારમાં અમારી પારદર્શી સુશાસન પદ્ધતિમાં સંપૂર્ણ વિશ્વાસ છે એટલે વિરોધના વમળો ઉભા કરવાની કોંગ્રેસની કોઇ કારી ફાવવાની નથી, એમ તેમણે વિપક્ષની આકરી આલોચના કરતા જણાવ્યું છે.