1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2019 (13:51 IST)

તીડને ભગાડવા જ્યાં ચાલી રહી છે બંદૂક, તો ક્યાંક વાગી રહ્યા છે ડીજે અને થાળી, અત્યાર સુધીમાં કરોડોનું નુકસાન

ગુજરાતના પાંચ જિલ્લામાં તીડોએ આતંક મચાવ્યો છે. તીડને ભાગડવા માટે ખેડૂતો દિવસ-રાત એક કરી રહ્યા છે. ખેડૂતો પોતાના સ્તરે અલગ-અલગ ઉપાયો કરી રહ્યા છે. ઘણા ખેતરોમાં થાળીઓ વગાડવામાં આવી રહી છે, તો ઘણી જગ્યાએ આ દુશ્મનો પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. ખેડૂત સરકાર પાસે પ્રભાવિત વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા દવાના છંટકાવની માંગણી કરી રહી છે. તીડના લીધે સૌથી વધુ નુકસાન કચ્છ, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં થયું છે. આ વિસ્તારોમાં ઘઉ, જીરૂ, કપાસ, રાઇ, મકાઇ અને એંરડા સહિતની સિઝનમાં થનાર હજારો એક્ટરનો પાક નષ્ટ થઇ ગયો છે. બનાસકાંઠામાં પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા વિસ્તાર સુઇગામ સહિતના વિસ્તારમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું છે. 
 
સુઇગામના સરપંચે જણાવ્યું હતું કે 14 ડિસેમ્બર્ના રોજ પહેલીવાર આ વિસ્તારમાં તીડનું ઝુંડ જોવા મળ્યું હતું ત્યારબાદ તેની સંખ્યા સતત વધતી ગઇ છે. આ રાજસ્થાન તરફથી આવ્યા છે અને અત્યાર સુધી હજારો હેક્ટર પાક નષ્ટ કરી ચૂક્યા છે. ઘણા ગામમાં એકપણ ખેતર બચ્યું નથી. 
 
રાજ્યના કૃષિ-સહકાર અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે આ સંદર્ભમાં જણાવ્યું કે, થરાદ તાલુકાના ૪ ગામોની આસપાસ મોટા પ્રમાણમાં જોવા મળેલા તીડનો ભારત સરકારના લોકસ્ટ કંટ્રોલની ૧૯ ટીમ તથા રાજ્ય સરકાર અને સ્થાનિક રપ ટ્રેકટર દ્વારા માઉન્ટેડ સ્પ્રેયરથી દવા છંટકાવ કરીને રપ ટકા તીડનો તો નાશ પણ કરી દેવામાં આવ્યો છે. આ તીડના આક્રમણને પરિણામે અંદાજે ૩-૪ હજાર હેકટર વિસ્તારમાં પાક નુકશાનની સંભાવના જણાય છે.
 
તદ્દઅનુસાર રાજ્ય સરકાર સરવે કરીને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ નુકશાની સહાય આપશે. ખેતીવાડી ખાતાની ફિલ્ડની ટીમો દ્વારા તીડ ની હાજરી અંગે સતત ટ્રેકિંગ કરવામાં આવે છે. અને રાત્રે જ્યાં તીડનું ઝુંડ સેટલ થાય તેનું લોકેશન ગુજરાતની ટીમો દ્વારા રાત્રે શોધી ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ ટીમો તથા ટ્રેકટર માઉન્ટેડ ગુજરાતની ટીમોનું દળ બનાવી વહેલી સવારે ૭ થી ૧૧ કલાક સુધી દવા નો છંટકાવ કરી તીડોનું નિયંત્રણ કરવામાં આવે છે.
 
૨૪/૧૨ સુધી લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ ૧૮૧૫ હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન 96% નો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવેલું છે. આજે થરાદના ચાર ગામોમાં ૩૦૦૦ હેકટર વિસ્તારમાં તીડ નિયંત્રણ કામગીરી કરાઈ છે. મેલેથીયોન ૯૬% દવા ખૂબ જ ઝેરી પ્રકારની હોય જ્યાં પડતર વિસ્તાર હોય અને તીડોએ રાતવાસો કર્યો હોય ત્યાં છંટકાવ કરવામાં આવે છે. આજુબાજુના વિસ્તારના લોકો જાતે અથવા તો પશુ લઈ દવા છંટકાવ વાળા વિસ્તારમાં ન આવે તે માટેની તકેદારી પણ રખાય છે .
 
તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ થઇ શકે રવાના
નિયંત્રણની કામગીરી સંદર્ભે યુદ્ધના ધોરણે પગલાં હાથ ધરવાને પરિણામે આ સફળતા મળી છે. રાજ્ય સરકારની આ કામગીરીને પરિણામે અને પવનની દિશાના આધાર તીડની દિશા હવે પાકિસ્તાન ના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે.
 
તીડ રાત્રે સંકોચી લે છે શરીરના છિદ્રો
રાત્રીના સમયે તેઓ બેસી જાય છે પરંતુ રાત્રિના સમયે તીડ દ્વારા તેના શરીર પરના છિદ્રો સંકોચી લેવામાં આવે છે અને શ્વસન ક્રિયા ધીમી હોય છે જેથી રાત્રિના સમયે દવા છંટકાવ કરવામાં આવે તો અસરકારક નિયંત્રણ મેળવી શકાતું નથી. આથી સવારે પાંચથી છ વાગ્યા આસપાસ દવા છંટકાવ કરવાની શરૂઆત કરવામાં આવે છે. તડકાની શરૂઆત થતા દસ વાગ્યાની આસપાસ ઉડવાની શરૂઆત કરે છે જેથી તેના નિયંત્રણ માટે ચાર કલાક જેટલો સમય મળે છે અને આ સમયમાં દવા છાંટી તેનું નિયંત્રણ કરવામાં આવે છે. કૃષિના અધિક મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ તીડ જ્યાં જ્યાં જોવા મળશે ત્યાં તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી તીડનું નિયંત્રણ કરી લેવામાં આવશે.
 
રાજસ્થાનમાં મચાવી ચૂક્યા છે આતંક
વર્ષ 2019માં તીડ સતત ઘણીવાર તરફ આવી ચૂક્યા છે. આ વર્સઃએ 21 મેના રોજ પહેલીવાર જેસલમેરના ફલૌદી વિસ્તારમાં તીડોએ હુમલો કર્યો હતો, આ હુમલામાં બાડમેર, જોધપુર, જેસલમેર અને જાલોર સહિતના ઘણા જિલ્લાઓમાં ખૂબ નુકસાન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એક વિશેષ ટુકડી રાજસ્થાન મોકલી હતી. પાકિસ્તાનને અટીને રાજસ્થાનની 1070 કિમીની આંતરરાષ્ટ્રીય સીમાને તે સમયે એલર્ટ પર રાખવામાં આવી હતી. જુલાઇ મહિનામાં રજસ્થાનમાં આ મામલો રાજસ્થાન વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે રાજસ્થાન સરકારે કહ્યું હતું કે તીડ યમન, ઇરાન અને પાકિસ્તાનના માર્ગેથી ભારતમાં પ્રવેશ કર્યો છે. 
 
1993 બાદ 2019માં થયો હતો મોટો હુમલો
આ પહેલાં તીડનો મોટો હુમલો 1993માં થયો હતો. તે સમયે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનથી આવેલા તીડોના હુમલાઓએ લાખો હેક્ટર પાકને નષ્ટ કરી દીધો હતો. ગ્રાસહોપરને એક ખાસ પ્રજાતિ તીડ વિશે કહેવામાં આવે છે કે તેમની એક ટુકડી 150 કિલોમીટર સુધી હવામાં ઉડે છે. ખેડૂતો પરેશાન એટલા માટે પરેશાન છે કે તીડની એક ટુકડી એક દિવસમાં 35000 લોકો જેટલું ભોજન કરી શકે છે. આ પોતાના રસ્તામાં આવનાર ઝાડને પણ નુકસાન પહોંચાડે છે.