શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (09:49 IST)

મફત પાણીની બોટલે લીધો જીવ, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ, જાણો શું છે મામલો

સુરતમાં સતત ક્રાઇની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાં એક જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પેટ્રોલ પંપ પર પાણીની બોટલ માટે કર્મચારી અને ગ્રાહક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં કર્મચારી દ્વારા યુવાનને માર મારતાં તેનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
 
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા સોસ્યો સર્કલ નજીક મોડી રાત્રે નશામાં ચૂર બે યુવાનો ગાડીમાં પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. જોકે ત્યાં પેટ્રોલની સાથે આપવામાં આવતી ફ્રી પાણીની બોટલ લઇ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને થોડીવારમાં આ બોલાચાલી મારામારી સુધી પહોંચી જતાં સ્થાનિક કર્મચારીઓ પણ ત્યાં દોડી ગયા હતા, અને બંને ગ્રાહકોને ઢોર માર માર્યો હતો. 
 
આ સમગ્ર ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી ખટોદરા પોલીસે ગ્રાહક તેમજ કર્મચારીઓને લઈને પોલીસ મથકે પહોંચી હતી. જોકે પોલીસ મથકે પહોંચતા જ બે પૈકી એક યુવાન બેભાન થઈ ગયો હતો. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. જેથી ખટોદરા પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક રવીન્દ્રએ પહેલી જુલાઈની રાત્રે રૂપિયા 500નું પેટ્રોલ ભરાવી ફ્રી પાણીની બોટલ માગતાં પંપના કર્મચારીઓ સાથે ઝઘડો થતાં માર માર્યો હતો. ઇજાગ્રસ્ત રવીન્દ્રને પોલીસ સારવારને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયાના થોડી જ મિનિટોમાં તેનું લોકઅપમાં મોત નીપજ્યું હોવાનું મૃતકના ભાઈએ જણાવ્યું હતું. ઇજાગ્રસ્ત ભાઈની મુલાકાતે ગયેલા નાનાભાઇ હિતેન્દ્રને રવીન્દ્રએ એટલું જ કહ્યું કે મને સારું નથી લાગતું કહી જમીન પર ઢળી પડ્યો હતો. પેટ્રોલ પંપ પર ઝઘડાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.