બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (10:52 IST)

LRD ભરતી પ્રક્રિયામાં અનામતની નીતિ મુજબ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે, ગુણવત્તાના આધારે નિમણૂંકો કરાશે

ગુજરાતમાં LRD મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલ વિવાદનો રાજ્ય સરકારે સુખદ નિર્ણય લીધો છે અને આ સંદર્ભે રાજ્યના એડવોકેટ જનરલશ્રીએ રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં સ્ટેટમેન્ટ આપ્યું છે. આ ભરતી સંદર્ભે સૌ સમાજના વર્ગોનું હિત જાળવીને ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ નિમણૂંક ત્રણ અઠવાડીયામાં પૂર્ણ થવાની શક્યતા છે, ત્યાં સુધીમાં તમામ પીટીશનરોનો સમાવેશ થઇ જાય તેવી શક્યતા છે. 
 
કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ વરેલી છે અને બંધારણની જોગવાઇ મુજબ અનામતના હક્કો પૂરા પાડવા અમારી સરકાર કટિબધ્ધ છે. LRD ભરતી સંદર્ભે કોઇપણ મહિલા ઉમેદવારોને નુકસાન કે અન્યાય ન થાય તે અમારી પ્રાથમિકતા છે. આ ભરતીમાં મહિલાઓને પૂરતું રીઝર્વેશન, ગુણવત્તા મુજબ અને તમામ કેટેગરીની મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તેની પૂરતી કાળજી પણ રાખવામાં આવશે. 
 
તેમણે કહ્યું કે, એડવોકેટ જનરલશ્રી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ સ્ટેટમેન્ટમાં પોલીસ કોન્સ્ટેબલ (બિન હથિયારધારી) અને પોલીસ કોન્સ્ટેબલ (હથિયારી)ની આ ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત ગૃહ વિભાગના તા. ૦૩/૦૯/૨૦૧૪ના પરિપત્ર પ્રમાણે કરવામાં આવી છે. આ ભરતી ગુજરાત પોલીસ એક્ટ - ૧૯૫૧ની જોગવાઇ અને પોલીસ ભરતીના પરીક્ષાના નિયમો મુજબ કરવામાં આવતી હોઇ, સામાન્ય વહીવટ વિભાગનો 
તા. ૦૧/૦૮/૨૦૧૮નો પરિપત્ર આ ભરતી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવ્યો નથી. આ ભરતી પ્રક્રિયામાં રીઝર્વેશન, ગુણવત્તા અને તમામ કેટેગરીમાં મહિલાઓનું મહત્તમ પ્રતિનિધિત્વ જળવાય એ ત્રણ મહત્વના પરિબળો ધ્યાનમાં લેવાયા છે.
 
તેમણે ઉમેર્યું હતું કે, આ ભરતી પ્રક્રિયામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં તમામ કેટેગરીમાં મહિલા ઉમેદવારોનું મહત્તમ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે કટ ઓફ માર્ક્સ ૫૦ ટકા એટલે કે, ૧૨૫ માંથી ૬૨.૫ માર્ક્સ નિયત કરાયા છે. સાથે સાથે આ કેડરમાં નિમણુંક કરવા માટે ૨,૪૮૫ વધારાની સુપરન્યુમરી જગ્યાઓ પણ ઉભી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
 
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમાજમાં સૌહાદપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે અને વધુમાં વધુ ઉમેદવારોને સરકારી નોકરીની તક મળે તે ધ્યાને લઇને  LRD ભરતી સંદર્ભે સુપરન્યુમરી જગ્યાઓ ઉભી કરી તમામ વર્ગની મહિલાઓને નુકસાન ન જાય તે માટે તાજેતરમાં મહત્વનો નિર્ણય કર્યો છે.