અનામત આંદોલન, શિક્ષકોના આંદોલન બાદ બેરોજગારોનું આંદોલન
એલઆરડી પ્રકરણમાં અનામત વર્ગના યુવાનો દ્વારા આંદોલન અને ટાટના શિક્ષકો દ્વારા આંદોલન બાદ હવે ટ્રમ્પના આગમન ટાણે ઉચ્ચ શિક્ષિત બેરોજગારો દ્વારા આંદોલનની ચીમકી આપવામા આવી છે. કોલેજોમાં અધ્યાપકોની ભરતી, ગ્રંથપાલોની ભરતી અને પીટી શિક્ષકોની ભરતી કરવાની ઉગ્ર માંગ સાથે યુવા શિક્ષિત બેરોજગારો દ્વારા 21મીથી ગાંધીઆશ્રમ ખાતે ધરણા કરવામા આવનાર છે. ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવા મોરચાની ફરિયાદ છે કે છેલ્લા અનેકવર્ષોથી રજૂઆતો છતાં પણ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ વિષયના અધ્યાપકોની તમામ જગ્યાઓ ભરાતી નથી. ઉપરાંત વર્ષોથી ગ્રાન્ટેડ કોલેજોમાં લાઈબ્રેરિયનની જગ્યા ખાલી છે છતાં સરકાર દ્વારા લાઈબ્રેરિયનની ભરતી કરાતી નથી અને બીજી બાજુ બી.લીબ અને એમ.લીબ. કરનારા અનેક યુવાનો બેકાર છે. એટલુ જ નહી ગ્રાન્ટેડ કોલેજોમાં પીટી શિક્ષકોની જગ્યા પણ ખાલી છે.
હાલ 275 જેટલી ગ્રંથપાલોની અને 300 જેટલી પીટી શિક્ષકોની જગ્યા ખાલી છે સરકાર દ્વારા એક વર્ષથી માત્ર વાયદા અપાય છે પરંતુ ભરતી જાહેર કરાતી નથી. જેથી નાછુટકે હવે ટ્રમ્પના આગમન ટાણે સરકારની આંખ ઉઘાડવા માટે ગાંધી આશ્રમ ખાતે 21મીથી ધરણા પર બેસીશું. ઉચ્ચ શિક્ષિત બેરોજગારી યુવા મોરચા દ્વારા ભરતીની માગ સાથે ગાંધીઆશ્રમથી લઈને કલેકટર કચેરી સુધી ફુટપાથ પર ધરણા પર બેસવાની અને જ્યાં સુધી ભરતી જાહેર ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દત માટે ધરણા કરવાની ચીમકી અપાઈ છે.યુવા મોરચાના જણાવ્યા મુજબ પોલીસની મંજૂરી નહીં મળે તો પણ ધરણા કરાશે અને પોલીસ ભલે અટકાયત કરે તો પણ ઉગ્ર વિરોધ થશે. ટ્રમ્પને દેખાડવા માટે તેમના વિઝિટ રૂટ પર જ ધરણા કરાશે અને ખાસ અંગ્રેજીમાં બેનરો તૈયાર કરવામા આવ્યા છે.