જેસલમેર પછી ગુજરાતમાં પણ પાવાગઢ જતી બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમસૂચકતાથી કોઈ જાનહાનિ નહી
ગુજરાતમાં પણ બસ ભીષણ આગની ઘટના સામે આવી છે. આણંદ નજીક પાવાગઢથી બાવળા જતી લકઝરી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.
મંગળવારે રાતે 12.45 વાગ્યે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે ભૂમેલ રેલવે બ્રિજ પર GJ-07-YZ4082 પેસેન્જર ભરેલી એક લક્ઝરી બસમાં આકસ્મિક આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.