શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (17:11 IST)

‘માધવપુર ઘેડ મેળો’ રામનવમી તા.૩૦ મી માર્ચથી ૩ એપ્રિલ-ર૦ર૩ સુધી યોજાશે

આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ,  પ્રવાસન વિભાગ તથા કુટિર ઉદ્યોગ વિભાગ દ્વારા આ મેળાનું આયોજન થાય છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિચારને સાકાર કરતો આ મેળો ર૦૧૮ થી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અરૂણાચલ પ્રદેશના ભીષ્માક નગરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણિ સાથે માધવપુરમાં થયેલા વિવાહની શ્રદ્ધા સ્મૃતિમાં આ મેળો યોજાતો હોય છે. 
ભગવાન શ્રીકૃષ્ણે માધવરાય મંદિરમાં રૂકમણિજી સાથે વિવાહ કરીને દ્વારકા પ્રસ્થાન કર્યુ ત્યાં સુધીનો પાંચ દિવસનો સમગ્ર ઉત્સવ માધવપુરમાં સાંસ્કૃતિક મેળા અને બે પ્રદેશોની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના ઉદ્દેશથી સ્થાનિક સમુદાય ઉજવે છે. ‘બારાત’ થી ‘બિદાઇ’ સુધીની આ આનંદદાયક અને પવિત્ર લગ્નવિધિને પૂનઃ તાદૃશ્ય કરવા પ્રતિવર્ષ આ મેળામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાતા હોય છે. 
 
વર્ષ ર૦૧૮ થી આ મેળાના વ્યાપક ફલક પર આયોજનની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂઆત થઇ છે. ર૦રરના આ માધવપુર-ઘેડ મેળાનો શુભારંભ તત્કાલિન રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા ની ઉપસ્થિતીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકે ર૦ર૩ના વર્ષમાં આ માધવપુર મેળામાં ‘‘અનેકતામાં એકતા’’’ની ભાવના ચરિતાર્થ કરવા વધુ નવા આકર્ષણો જોડવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. 
 
આ મેળામાં ગુજરાત સહિત ૯ રાજ્યો અરૂણાાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરામ, મેઘાલય, સિક્કીમ, ત્રિપુરા અને નાગાલેન્ડ સહભાગી થવાના છે.  આ મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજી ને આમંત્રણ પાઠવવામાં આવશે. ઉપરાંત સહભાગી રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ તેમજ કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓને પણ ગુજરાત સરકાર મેળામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવાની છે. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેળો વધુ લોકભોગ્ય, આકર્ષક બને તે માટે રોજેરોજ નવિનતાસભર કાર્યક્રમો સાથે યોજવા માર્ગદર્શન આપ્યું હતું. આ સંદર્ભમાં બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા ગુજરાત અને ઉત્તર પૂર્વીય રાજ્યોનો સમન્વય, હસ્તકલા કારીગરોના હસ્તકલા મેળા દ્વારા સમન્વય તેમજ રમત-ગમત દ્વારા સમન્વયની એમ ત્રણ વિસ્તૃત થીમ સાથે આ વર્ષનો મેળો યોજવામાં આવશે.
 
ઐતિહાસિક સુસંગતતા સાથે પારંપારિક નૃત્યોને કેન્દ્રમાં રાખીને ગુજરાત અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના કલાકારો, કલાસંસ્થાઓ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરશે. એટલું જ નહીં, ભગવાન શ્રીકૃષ્ણ પર મલ્ટિમિડિયા શો પણ કરવામાં આવશે.
 
ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલા કારીગરોની વિવિધ ચીજવસ્તુઓ, વાનગી, તેમના પ્રદેશોના ઓર્ગનિક ફૂડને ગુજરાતમાં વધુ લોકપ્રિય બનાવવા ‘‘વોકલ ફોર લોકલ’’ પહેલને પ્રોત્સાહન આપતાં તારીખ ૧૮ માર્ચથી ૩૦ માર્ચ સુધીના દિવસોમાં વડોદરા, અમદાવાદ અને રાજકોટ ખાતે પ્રાદેશિક હસ્તકલા મેળા યોજવામાં આવશે. આ હેતુસર રાજ્યના કુટિરઉદ્યોગ વિભાગને કાર્યઆયોજનની જવાબદારી સોંપવામાં આવી છે.
માધવપુર-ઘેડના દરિયાકિનારે આ વર્ષે મેળા દરમિયાન ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની પરંપરાગત રમતો તથા દરિયાકાંઠાની રમતો-બીચ સ્પોર્ટ્સનું આયોજન પ્રથમવાર કરવામાં આવશે. આ રમતોમાં બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, ૧૦૦ મીટર બીચદોડ, બીચ હેન્ડબોલ અને નારિયેળ ફેંક જેવી રમતો રમાડવામાં આવશે.
 
દરિયાકાંઠે રેતી શિલ્પની વિવિધ કૃતિઓ બનાવવાનું પણ આ મેળાના ભાગરૂપે આયોજન કરવામાં આવશે તથા ઉત્તર પૂર્વીય રાજ્યોના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ અન્વયે આ મેળામાં સહભાગી કરવાનું પણ કાર્ય આયોજન છે.
ભગવાન શ્રીકૃષ્ણ રુકમણિ સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારિકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને આ વર્ષના મેળામાં પૂનઃ ઉજાગર કરતાં દ્વારિકામાં રુકમણિનું સ્વાગત કરવાના લોકોત્સવ કાર્યક્રમો મેળાના ઉપલક્ષ્યમાં પ્રથમવાર યોજાશે.
 
એટલું જ નહીં, રાજ્યના બધા જ કૃષ્ણમંદિરોને મેળાના દિવસો દરમિયાન શણગારવામાં આવશે. માધવપુરનો મેળો રાજ્યભરના લોકો તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના લોકો પણ માણી શકે તે માટે સંબંધિત રાજ્યોમાં જીવંત પ્રસારણ માટે પણ જરૂરી સંકલન સાધવામાં આવશે.
 
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણભક્તો, વૈષ્ણવ સંપ્રદાય સહિતના સૌ માટે આ મેળામાં પરંપરાગત આસ્થા-શ્રદ્ધાનું પ્લેટફોર્મ સમયાનુકુલ નવતર આયોજનો સાથે બને તે માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સુદ્રઢ આયોજન માટે આ બેઠકમાં દિશાનિર્દેશો આપ્યા હતા.
 
મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, તેમજ શિક્ષણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિભાગોના અગ્ર સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.