રાજકોટ અગ્નિકાંડમાં TRP મોલના મુખ્ય ભાગીદાર પણ બળીને ખાક થયાનો ધડાકો
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયો છે.
પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા. બે દિવસ તેમની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે.
આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે.પ્રકાશ હિરણના ભાઈ જિતેન્દ્ર હિરણે કહ્યું, ગેમ ઝોનમાં કેટલા ટકાની ભાગીદારી હતી એ વિશે મને કંઇ ખબર નથી. મારે લાકડાનો બિઝનેસ છે. મારો ભાઈ ચારેક વર્ષથી રાજકોટ રહેતો હતો. હું મારા ભાઈને મળવા આવતો ત્યારે હું ગેમ ઝોનમાં જતો હતો એટલે મેં તેના ભાગીદારનાં નામ સાંભળેલાં હતાં. એ બધા એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા એ વિશે મને ખબર નથી.