ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (15:02 IST)

ડીવાયએસપી મંજીતા વણઝારાનું આ કામ સરાહનીય છે. એક દિકરી બનીને વૃદ્ધ માતાને દત્તક લીધાં

પોલીસની કામગીરી સામે અનેક વાંધા ઉઠે છે પણ જ્યારે પોલીસનું માનવતા ભર્યું પગલું દેખાય ત્યારે તેની સરાહનીય કામગીરી નોંધનીય બને છે. ગુજરાતમાં એક પોલીસકર્મીએ વરસાદમાં ભરાયેલા પાણીમાં પોતાના માથા પર તેમજ ખભા પર બાળકને બચાવીને ભગવાન બનીને કામગીરી કરી હતી તે માટે લોકોએ પોલીસને ખોબલે ખોબલે આશિર્વાદ આપ્યાં હતાં, હવે એક કિસ્સો મહેસાણામા બન્યો છે. કળયુગના પુત્રો સામે બિચારી બનેલી વૃદ્ધ માતાને દત્તક લીધી હોવાનો પહેલો બનાવ છે. સમાજમાં એક દિકરી એક વૃદ્ધ માતાનો સહારો બને એને વખાણીએ એટલે શબ્દો પણ ઓછા પડે. 
પ્રાપ્ત વિગતો પ્રમાણે પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીને પુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો. 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા અસહય માર મરાતો હોવાના આક્ષેપ સાથે તેઓ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળ્યા હતા. ઘરે જશે તો પુત્રો મારમારશે તેવા ડરથી વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમા જવા જીદ કરી હતી પરંતુ પૈસા ન હોઈ વિસામણમાં મુકાયા હતા. આ સમયે મંજીતા વણઝારાએ વૃદ્ધાની વૃદ્ધાશ્રમમા રહેવાની તમામ જવાબદારી ઉઠાવી વૃદ્ધાશ્રમ છોડવા ગયા હતા.
આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે પુત્રના મારથી બા ખુબજ ગભરાઇ ગયા હતા મને લાગ્યુ કે બા ખરેખર ખુબજ હેરાન થઇ રહ્યા છે.તેમની વૃદ્ધાશ્રમમાં રહેવાની ઇચ્છા પૂર્ણ કરી છે અને કોઇ પણ તકલીફ પડે તો પોલીસ અધિકારી તરીકે નહી પરંતુ દીકરી તરીકે તમારી સાથે છુ તેવુ આશ્વાસન આપ્યુ છે.વૃદ્ધાશ્રમની તેમની એક વર્ષની ફી એડવાન્સ ભરી છે.
પતિના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા 80 વર્ષનાં સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. પુત્રોનો માર ખાઇને ફરિયાદ નોંધાવવા વસઇ પોલીસ સ્ટેશન પહોંચેલા વૃદ્ધાને પોલીસે પહેલાં તમે તમારા જામીનદાર લાવો પછી ફરિયાદની વાત કરો તેમ કહીને ધમકાવીને કાઢી મુક્યાનો પણ વૃદ્ધાએ આક્ષેપ કર્યો હતો.