શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (23:25 IST)

આત્મનિર્ભર ભારત: મેનકાઇન્ડ ફાર્મા ૫૦૦ કરોડનો પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપશે, આ દેશોમાં થશે એક્સપોર્ટ

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રૂ. ૫૦૦ કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ વડોદરામાં સ્થાપશે. ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે 500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના બાદ મેનકાઇન્ડ ફાર્મા તબક્કાવાર રૂ. 1100 કરોડનું રોકાણ કરવાની છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ અંગેની વિગતો આપી હતી. 
 
એમ. કે. દાસે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી ‘ઇન્ડિયન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ 2021’ ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ વર્ચ્યુઅલ સાઇનિંગ સેરેમનીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્લાન્ટની સ્થાપના માટેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ અને ‘પ્રોજેક્ટ આઉટ લે’ ને ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ ફાર્માસ્યુટિકલની સ્વીકૃતિ મળી ગઇ છે અને આ સુચિત પ્રોજેક્ટ સ્થાપના માટે ડિપાર્ટમેંટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. અધિક મુખ્ય સચિવ દાસે એમ પણ ઉમેર્યું કે, રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટને પૂર્ણ સહયોગ આપશે.   
 
 
તેમણે કહ્યું કે, મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ 100% એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાતમાં ઉત્પાદીત થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે. મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓ ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા ભારત સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ’ (PLI ) યોજનાનો લાભ પણ મેળવી શકશે.
 
એમ. કે. દાસે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ સહિત વિકાસના વિવિધ ક્ષેત્રોમાં દેશનું રોલ મોડલ બન્યું છે અને પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના પાર પાડવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવે છે.
 
અધિક મુખ્ય સચિવએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના પારદર્શી અને નિર્ણાયક અભિગમના ફળસ્વરૂપે ગુજરાત દેશભરમાં વિદેશી મુડીરોકાણ મેળવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. સમગ્ર દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં આવેલા કુલ એફ.ડી.આઇ.ના સૌથી વધુ એટલે કે 53% એકલા ગુજરાતમાં આવ્યું છે તેમ પણ દાસે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે, ગુજરાતમાં ફાર્માસ્યુટિકલના આ નવા સુચિત પ્રોજેક્ટના આગમનથી ફાર્મા સેકટરને વધુ લાભ મળશે.