શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (12:50 IST)

મેરિટાઇમ- બંદરોના ક્ષેત્રમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે, ગુજરાત મૂડીરોકાણ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે : મિશેલ લેમારે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિપુર્ણ આયોજન અને તે માટે કરેલા પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. માનનીય વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે, પરિણામે વિકાસનાં ફળ સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે.
 
રાજ્યમાં આગામી તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે વિવિધ દેશના શહેરોમાં રોડ શોનું આયોજન કરાયુ છે. ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગુજરાતનાં સચિવ (ગ્રામ વિકાસ) સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૨૦૨૧ના રોજ પેરિસમાં રોડ-શો યોજ્યો હતો.
 
ગ્રામ વિકાસ કમિશનરે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરીને ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો, સરકારનો નીતિ-લક્ષી અભિગમ, વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટીના આયોજન સહિત અન્ય બાબતો શા માટે રાજ્યને વિદેશી મૂડીરોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવે છે તે વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું.
 
રોડ-શો બાદ સોનલ મિશ્રાએ કહ્યું હતું કે, “ફ્રાન્સમાં બિઝનેસ સમુદાય તથા રોકાણકારો તરફથી મળેલા પ્રતિભાવથી અને ખૂબ પ્રભાવિત થયા છીએ. કૃષિ તથા ફૂડ પ્રોસેસિંગ, ડેરી, એરોસ્પેસ, શિક્ષણ, પ્રવાસન, ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રના ૪૦થી વધુ સિનિયર બિઝનેસ અગ્રણીઓએ ભાગ લીધો હતો. VGGS 2022 દરમિયાન ફ્રાન્સમાંથી નોંધપાત્ર સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહેવાની અમારી અપેક્ષા છે.”
 
ફ્રાન્સની અગ્રણી બિઝનેસ સંસ્થા MEDEF ઈન્ટરનેશનલના પ્રમુખ શ્રી ફ્રાન્સવા બર્ગોએ રોડ-શોના સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જ્યારે પેરિસમાં ભારતીય દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (આર્થિક અને વાણિજ્ય) દીપાંશુ ખુરાનાએ ભારત-ફ્રાન્સ વેપાર સંબંધો અંગે માહિતી આપી હતી. ભાગીદાર કંપનીઓ મેઘમણી જૂથ તથા મારૂતિ સુઝુકીના ટોચના અધિકારીઓએ ગુજરાતમાં બિઝનેસની સરળતા અંગે તેમના અનુભવો જણાવ્યા હતા.
 
મેરિટાઇમ તેમજ બંદરોના ક્ષેત્રમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે તેમજ હાલ ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે તેને કારણે રાજ્ય મૂડીરોકાણ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે તેમ બિઝનેસ ક્લબ ફાઇનાન્સ ઈન્ડેના સુશ્રી મિશેલ લેમારે જણાવ્યું હતું. મેરીટાઈમ ઉદ્યોગના ૨૧૫ ઉદ્યોગકારોના સંગઠન ફ્રેન્ચ મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન – GICANના આર્નોડ માર્ટિન્સ દ તોરેએ જણાવ્યું હતું કે, તેમનું સંગઠન ગુજરાતને સૌથી મહત્ત્વનું બિઝનેસ કેન્દ્ર ગણે છે અને યુવાનો કર્મચારીઓને કુશળ બનાવવા એ મેરીટાઈમ બિઝનેસ માટે ઘણું અગત્યનું છે. તેમણે સંરક્ષણ ક્ષેત્ર અને ખાસ કરીને સાગરમાલા યોજના અંગેની વડાપ્રધાનની પહેલની પ્રશંસા કરી હતી.
 
MSME સાથે સંકળાયેલા ફ્રેન્ચ સંગઠન કન્ફેડરેશન ડેસ પેટિટ્સ એટ મોનીઝ એન્ટરપ્રાઇઝીસના શ્રી રાજુ શર્માએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં MSMEની ઈકોસિસ્ટમ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહી છે અને કાપડ, એરોનોટિક્સ, બંદરો, લોજિસ્ટિક્સ તથા જહાજ નિર્માણ જેવાં ક્ષેત્રોમાં વ્યાપક સંભાવનાઓ છે. તેમણે ઉમેર્યું કે, કુશળ શ્રમિકોની ઉપલબ્ધી તથા શ્રમિકોની હડતાળો નહીં પડવાને કારણે ગુજરાત સારી સ્થિતિમાં છે.
 
રાજ્યમાં ઉધ્યોગલક્ષી વાતાવરણ હોવાને કારણે છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાતમાં કેટલીક ફ્રેન્ચ કંપનીઓએ તેમનાં એકમો સ્થાપ્યાં છે. સેન ગોબેન, શિડર ઈલેક્ટ્રીક, સોશી જનરલ, એર લિક્વિડ સહિત કેટલીક નામાંકિત બ્રાન્ડ દ્વારા ગુજરાતમાં ઉત્પાદન એકમો સ્થાપવામાં આવ્યાં છે.રોડ-શો દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં એરોસ્પેસ, એગ્રો-પ્રોસેસિંગ, ડેરી તથા ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ બિઝનેસ તકોની રજૂઆત કરવામાં આવી હતી. GIFT સિટી તથા ધોલેરા SIR જેવી મેગા સ્માર્ટ સિટી યોજનાઓમાં ફ્રેન્ચ મૂડીરોકાણ આકર્ષવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો.
 
૨૦૦૩થી શરૂ થયેલી દ્વિવાર્ષિક ઇવેન્ટ VGGS માં રોકાણકારોને ભાર રસ જાગ્યો છે અને તેમની ભાગીદારી પણ વધી રહી છે, પરિણામે રોકાણ અને વેપારની બાબતમાં ગુજરાત વૈશ્વિક મંચ પર પહોંચી ગયું છે. ૧૦મી સમિટ VGGS 2022નું થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” છે. વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ પહેલાં ૧ ડિસેમ્બર, ૨૦૨૧થી ૯ જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને તે સાથે સમિટનો પ્રારંભ થશે. ટ્રેડ શો પાંચ દિવસ સુધી યોજાશે જેનું સમાપન ૧૩ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ થશે.