શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (09:43 IST)

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં માવઠા, જાણો શું છે આગાહી

અત્યારે શિયાળો ચાલી રહ્યો છે પરંતુ અનુભવ ચોમાસાનો થઇ રહ્યો છે. કારણ કે હવામાન ખાતાની આગાહી મુજબ કમોસમી વરસાદી માવઠા વરસતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. રાજ્યના અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂના, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, ભરૂચ, ખેડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. 
 
ગુજરાતમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે.  તો કેટલાક જિલ્લામાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સહિત આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જેથી ખેડૂતોને પાક સલામત સ્થળે રાખવાની સલાહ અપાઈ છે. માવઠાની આગાહીના પગલે હાલ ખેડૂતોને સિંચાઈ ના કરવા પણ અપીલ કરાઈ છે. 
 
સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય શકે છે. અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ડિસેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે.
 
આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દિવમાં હળવો જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી સુરત, ડાંગ, નવસારી, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર માં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
 
તો આવતીકાલે ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાયના રાજ્યના અનેક ભાગમાં પણ વરસાદી માહોલ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
 
ખેડૂતોએ તૈયાર પાક યોગ્ય સ્થાને મૂકવા, પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવા અને નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચના અપાઈ છે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડશે. તો આવતીકાલે ગુરુવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને પણ  ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.