1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જુલાઈ 2022 (16:05 IST)

ગુજરાત પર મેઘરાજા મહેરબાન, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, લખપતમાં 11 ઇંચ વરસ્યો વરસાદ

rain in valsad
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે  છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.
 
આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 276 મિમી એટલે કે 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં નોંધાયો છે. 50 મિમી સુધી 12 તાલુકા, 51થી 125 મિમી 69 તાલુકા, 126થી 250 મિમી 88 તાલુકા, 251થી 500 મિમી 55 તાલુકા, 501થી 1000 મિમી 27 તાલુકામાં આખી સીઝનમાં નોંધાઈ ચૂ્કયો છે. સીઝન કુલ 235.44 મિમી રાજ્યમાં નોંધાયો છે, જે કુલના 27.69 ટકા થાય છે.
 
પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદની વાત કરીએ તો ગઇકાલે સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીનો વરસાદમાં પોરબંદર 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાણાવાવ 3.5 ઇંચ વરસાદ અને કુતિયાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ખેરગામ 121 મીમી, ગણદેવી 88  મીમી, ચીખલી 151 મીમી, જલાલપોર 74 મીમી, નવસારી 105 મીમીસ વાંસદામાં 186  મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સાંજે 6 વાગ્યાથી નવસારી જિલ્લામાં વરસાદનું જોર નરમ પડ્યું હતું. સાંજે 6 થી સવારે 6 સુધી 12 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો ખેરગામ 12 મીમી, ગણદેવી 05  મીમી, ચીખલી 10 મીમી, જલાલપોર 06 મીમી, નવસારી 07 મીમી અને વાંસદામાં 22  મીમી વરસાદ પડ્યો છે.
 
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં ડાંગમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદ થતા લો લેવલ કોઝવે, રસ્તા પર પાણી ભરાયા છે. અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. વન વિસ્તાર, ધોધ પાસે લોકોને ફોટોગ્રાફી ન લેવાની અપીલ કરાઈ છે. અધિકારીઓને મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ પણ છૂટ્યા છે. 
 
ત્યારે આ તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેણા કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 10થી 15 જૂલાઈ વચ્ચે ભારેથી વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિની આગાહી કરી છે.