મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 જુલાઈ 2021 (14:02 IST)

વડાપ્રધાન આજે સાયન્સ સિટીમાં એક્વાટિક અને રોબોટિક ગેલેરી, ગાંધીનગરમાં રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટેલનું લોકાર્પણ કરશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ગુજરાતમાં રહેશે. સાંજે ચાર વાગ્યે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું, કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને.આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. 
ગાંધીનગરને મળી રહ્યું છે રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટેલ. 
આજે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, સ્પોર્ટ્સ પર્સન સહિત કુલ 675 લોકો ઉપસ્થિત રહેશે. આ એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતના ઘણી પ્રજાતિઓ જોઈ શકાશે અને આ માટે  28  મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”.  આ એક્વેટિક ગેલેરીનું મહત્વનું પાસુ એ છે કે અહીં 188 પ્રજાતિની 11600 થી વધુ માછલીઓ એક છત નીચે જોઈ શકાશે. અહીં ગેલેરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલ જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે. જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે. સાયન્સ સીટી ખાતે 11 હજાર  સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200 થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. જેમ કે મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું  ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, ૧૬ રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ કરશે.  ૨૦ એકરમાં પથરાયેલ નેચર પાર્કમાં 380 થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જીમ, અને  બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે. જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉંડેડ સ્લોથ બેર, ઉધઈના રાફડા અને મધપુડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.