શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શનિવાર, 28 જાન્યુઆરી 2023 (10:19 IST)

પ્રેમમાં પૈસા બન્યા વિલન, પ્રેમીને આપેલા રૂપિયા માંગતા પ્રેમિકાને માર્યા ચાકૂના ઘા

crime scene
ઉમરેઠના કાછીયાપોળમાં યુવતીના ગળા પર ચપ્પાના ઘા ઝીંકી દીધાં હતાં. આ ચકચારી ઘટનામાં ઘટસ્ફોટ થયો છે. ગાંધીધામથી પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને મોડી રાત્રે રૂ.40 હજાર બાબતે ઝઘડો થયો હતો. જેમાં પ્રેમીએ ચપ્પુ માર્યું હતું. ઉમરેઠના કાછીયા પોળમાં શનિવારના રોજ અજાણ્યા યુવક અને યુવતી ભાડે રહેવા આવ્યાં હતાં. 
 
તેઓને રાત્રે કોઇ બાબતે ઝઘડો થતાં યુવકે ઉશ્કેરાઈ યુવતીના ગળા પર ચપ્પાનો ઘા ઝીંકી તેને બાથરૂમમાં પુરી ભાગી ગયો હતો. આ ઘટનાના પગલે સમગ્ર નગરમાં ચકચાર મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં ફસડાયેલી યુવતીને આસપાસના લોકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. બે દિવસ બાદ યુવતી ભાનમાં આવી હતી અને તેણે પોલીસમાં ઘટસ્ફોટ નિવેદન આપ્યું હતું. જેમાં યુવતીનું નામ વર્ષા હિરેનભાઈ જાની અને યુવક રવિ અંબારામ રાવળ (બન્ને રહે. ગાંધીધામ) હોવાનું જણાવ્યું હતું.
 
આ અંગે વર્ષાબહેન જાનીએ જણાવ્યું હતું કે, મારી જમણી આંખે બતાવવાનું હોવાથી 20મી જાન્યુઆરીના રોજ ઘરેથી નીકળી હતી. તે દરમિયાન રસ્તામાં તેનો પ્રેમી રવિ અંબારામ રાવળ મળી ગયો હતો. આ સમયે રવિએ ફરવા જવાનું કહ્યું હતું. જેથી વર્ષાબહેન અને રવિ બન્ને ગાંધીધામથઈ સર –સામાન સાથે બસમાં બેસીને આદિપુર, બાદમાં રાત્રિના બસમાં ડાકોર પહોંચ્યાં હતાં. બીજા દિવસે શનિવારે તેઓ ડાકોરથી ઉમરેઠ આવ્યાં હતાં. ઉમરેઠ બસ સ્ટેન્ડ પર રવિએ ગોપાલ નામના શખસને ફોન કરી બોલાવ્યો હતો.
 
જેણે પહેલેથી જ મકાનની વ્યવસ્થા કરી રાખી હતી. આથી વર્ષા અને રવિએ હિતેશભાઈનું મકાન ભાડે રાખી ચાવી લઇ તેમાં સાફ સફાઇ કરી રાત્રિ રોકાયેલાં હતાં. જોકે, રાત્રિ દરમિયાન વાતો કરતા હતા અને વાતોવાતોમાં રવિને અગાઉ આપેલા રૂ.40 હજારની વર્ષાએ ઉઘરાણી કરી હતી. આથી, રાત્રિના અઢી વાગ્યાના સમય દરમિયાન રવિ અને વર્ષા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા રવિએ અપશબ્દ બોલી ચાકુ કાઢી વર્ષાના ગળાના ભાગે એકમદ મારી દીધું હતું. 
 
વર્ષાએ બચાવવા બુમો પાડી હતી. આ સમયે રવિએ તેને બાથરૂમમાં લઇ જઇ બંધ કરી જતો રહ્યો હતો. રવિ જતો રહ્યા બાદ વર્ષાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે રવિ અંબારામ રાવળ (મુળ રહે. અંબરનેસડા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા અને હાલ ગાંધીધામ) સામે ગુનો નોંધ્યો હતો.