બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જૂન 2020 (14:57 IST)

ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું, બદલાઇ ગયું રાજ્યસભાની ચૂંટણીનું ગણિત

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. મોરબી સીટ પરથી પાર્ટીના ધારાસભ્ય બ્રિજેશ મિર્ઝાએ શુક્રવારે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેની જાણકારી આપી. ગઇકાલે જ કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. માર્ચથી અત્યાર સુધી પાર્ટીના 8 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. ગુજરાતમાં 19 જૂનના રોજ વિધાનસભાની ચાર સીટો માટે મતદાન થવાનું છે. 
 
ગુજરતમાં રાજ્યસભાની 5 સીટો પર ચૂંટણી થવાની છે. ભાજપના ત્રણ ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. ભાજપે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનને જ્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યાછે. 182 સીટોવાળી વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 103 છે. હવે કોંગ્રેસના ઘારાસભ્યોની સંખ્યા ઘટીને 65 રહી ગઇ છે. વિધાનસભાની 10 સીટો ખાલી છે.  
 
તાજેતરમાં 8 ધારાસભ્યોએ પાર્ટી છોડતાં કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પાર્ટીના બે ઉમેદવારોની જીત મુશ્કેલ છે. કોંગ્રેસ હવે પોતાના ધારાસભ્યોના લીધે અત્યારે એક જ સીટ પ્રાપ્ત કરી શકે એવું લાગી રહ્યું છે. એટલે કે શક્તિ સિંહ અને ભરત સિંહમાંથી કોઇ એક જ રાજ્યસભામાં પહોંચી શકશે. ભાજપની વાત કરીએ તો અત્યાર સુધીના ગણિત અનુસાર તેને ફક્ત બે સીટો જ જીત મળી શકતી હતી પરંતુ કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે ત્રીજી સીટ પણ તેમનો કબજો થતો જોવા મળી રહ્યો છે. 
 
આ પહેલાં ગુરૂવારે બે કોંગ્રેસી ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુભાઇ ચૌધરીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. અક્ષય પટેલ વડોદરાની કરજણ સીટ પરથી ધારાસભ્ય છે જ્યારે જીતુભાઇ ચૌધરી વલસાડની કપરાડા સીટ પરથી જીત્યા હતા.