ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (11:28 IST)

કુદરતને કંકોતરી લખતા હો તો એક કંકોતરી જાંબુઘોડા અભયારણ્યના કડા ડેમના નામે અવશ્ય લખજો..

કુદરતનું સરનામું એટલે ડુંગરો,જંગલો,નદીઓ,સરોવરો,ઝરણાં,વન્ય જીવો અને ભાત ભાતના પક્ષીઓ.વડોદરા નજીક પંચમહાલ જિલ્લામાં અંદાજે રસ્તા માર્ગે ૭૦ થી ૮૦ કિમીના અંતરે આવું જ એક કુદરતનું મસ્ત સરનામું છે જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલું કડા જળાશય જે અહીં કોઈ ડેમ( બંધ) ન હોવા છતાં બહુધા કડા ડેમના નામે ઓળખાય છે.કદાચ એની ત્રણ બાજુ નાની ટેકરીઓની કુદરતી દીવાલ હોવાથી આ નામ પડ્યું હશે.મૂળભૂત રીતે આ ખૂબ નાનું,સિંચાઇ વિભાગના તાબા હેઠળનું તળાવ છે જેની સિંચાઇનો લાભ નજીકના ધનપરી અને કડા ગામના ખેડૂતોને મળે છે.
 
આ વિસ્તારના વન અધિકારી અને હાલમાં વન્ય જીવ વિભાગ,વડોદરાના કાર્યકારી મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી.રાઉલજી જણાવે છે કે નાની મોટી ડુંગરીઓ પર થી રેલાતું વરસાદી પાણી આ તળાવનો મુખ્ય જળ સ્રોત છે.આ વિસ્તારમાં આ વર્ષે ચોમાસું નબળું રહ્યું છે.એટલે નબળાં ચોમાસે જ્યારે પાણી ખૂટી જાય ત્યારે ઉનાળામાં એને સુખી કેનાલની મદદ થી ભરવામાં આવે છે જે ખેતીની સાથે વન્ય જીવોની તરસ છિપાવે છે અને પક્ષીઓને પોષે છે. તળાવના કાંઠે વન કેડી અને ટાવર પણ છે.
 
વડોદરા થી હાલોલ - શિવરાજપુર થઈને અને ડભોઇ - બોડેલીના રસ્તે જાંબુઘોડા પહોંચી શકાય છે.જાંબુઘોડા ગામની બહારના બે પેટ્રોલ પંપ વચ્ચેની કેડી પર થઈને કડા ડેમ સાઈટ પહોંચાય છે.રસ્તા બહુધા પાકા છે. કડા ડેમ, સાદરાના જંગલમાં આવેલું ધનપરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર,નજીકમાં આવેલા પ્રાચીન અને વિશાળકાય, જંગલના રખેવાળ ઝંડ હનુમાન દાદા અને તરગોળ સિંચાઇ તળાવ એક બીજા સાથે સંકળાયેલા છે અને લગભગ ૨૫ થી ૩૦ કિલોમીટરના વન ભ્રમણ માટે મસ્ત ગણાય એવા છે.
કડા અને ધનપરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ટેન્ટ,કોટેજ, ડોરમિટરી જેવી રહેવાની વ્યવસ્થાઓ છે. ધનપરી ની નિવાસી વ્યવસ્થામાં વીજ પુરવઠો ખોરવાય તો કામ લાગે એવા ઈનવર્ટર, સોલર ગીઝર,જંગલમાં ફરવા માટે ભાડે થી સાયકલની વ્યવસ્થા,વન ભ્રમણ માટે વાન,બેઠક યોજવા માટે સભાખંડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સુરક્ષિત જંગલ વિસ્તાર છે એટલે પ્રવાસી ફી ભરીને જવું જોઈએ.
 
સિંચાઇનો લાભ આપતા કડા ડેમની આસપાસ નાનકડા પક્ષી તીર્થનો કુદરતી વિકાસ થયો છે એવી જાણકારી આપતાં વન અધિકારી વનરાજસિંહ પરમાર કહે છે કે આ વિસ્તારમાં બારેમાસ વિવિધતાસભર દેશી પક્ષીઓ જોવા મળે છે તેની સાથે આ તળાવથી બનતા વેટલેન્ડને લીધે શિયાળામાં અહીં યાયાવર પક્ષીઓના નાના સમૂહો પણ આવે છે.
 
આમ, તો જંગલનો રાજા સિંહ કહેવાય પણ અહીંના જંગલોમાં દીપડાનું રાજ્ય છે.તેની સાથે લોંકડી,ઝરખ,કીડી ખાઉ,રીંછ,નીલગાય જેવા વન્ય જીવો અહીં વસે છે. જો કે સિંહ રાજવી જીવ છે એટલે ગીરમાં સિંહ દર્શન જેવું આયોજન શક્ય છે.દીપડો ખૂબ ચપળ,આક્રમક જીવ છે એટલે દીપડા દર્શનનું આયોજન શક્ય નથી. જાંબુઘોડા વિસ્તારને અભ્યારણ્ય તરીકેની માન્યતા અહીં ના પૂર્વ રાજવીએ ખૂબ અભ્યાસપૂર્ણ રજૂઆતો દ્વારા અપાવી હતી.તેમને આ કામમાં વડોદરાના વનસ્પતિશાસ્ત્રી અને પર્યાવરણવિદ સ્વ. ડો.ગુણવંત ઓઝાએ ઘણી મદદ કરી હતી.આ જંગલ વિસ્તારમાં સરીસૃપ વિવિધતા છે. અહીં ટ્રેકિંગ ખૂબ સાવચેતી રાખીને કરવું જરૂરી છે. હાલોલથી જાંબુઘોડાના રસ્તે ભાટ ખાતે પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર છે.નજીકમાં હાથણી માતા નામના સ્થળે ચોમાસાં પૂરતો મર્યાદિત ધોધ છે.
 
ચેતવણી: કુદરત સાથે આંખ મિલાવી શકતા હો તો જ અહીં આવવું.આ મોટા અવાજે ગીતો વગાડી,નાચગાન અને ધમાચકડી માટેનું સ્થળ નથી.વન કેડીઓ પર ફરીને કુદરતને માણવાની અને ઓળખવાની આ જગ્યા છે એટલે પ્લાસ્ટિકનો કચરો પોતાની સાથે જ બહાર લઈ જવાની માનવતા દાખવવી અહીં ખૂબ જરૂરી છે.
 
અહીંના પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો ગામલોકોની મંડળીઓ દ્વારા સંચાલિત છે.સાદું સ્વદેશી ભોજન અને નાસ્તો તેઓ ઉપલબ્ધ કરાવે છે. સોલરનો વિનિયોગ વન વિભાગે કર્યો છે. હરિયાળીનું પ્રમાણ લોકોના સહયોગ અને વન વિભાગની કાળજીથી સારું એવું વધ્યું છે.આ જંગલના મુખ્ય વૃક્ષો ઘેઘૂર મહુડા,ઊંચા ઊંચા સાગ અને પાઘડીપને પથરાયેલા વાંસના ઝુંડ છે. ધનપરીના પરિસરમાં લીલા વાંસના ઝુંડથી બનાવેલું વાંસ ઘર મસ્ત છે.
 
અહીં વન વિભાગના એક પૂર્વ ચોકીદાર જંગલના ભોમિયા તરીકે સેવા આપે છે જેમની સાથે વન કેડીઓ પર વિહરવા જેવું છે.તાજેતરમાં જ વન વિભાગે પ્રવાસીઓ જંગલના રસ્તા અને કેડીઓ પર ફરી શકે તેવું વાહન રૂ.દશ લાખના ખર્ચે વસાવ્યું છે જેનો ભાડું ચૂકવીને લાભ લઈ શકાય છે. કડા અને ધનપરી,બંને જગ્યાઓએ વન શિબિરો યોજવાની પણ સુવિધા છે.
 
જાંબુઘોડા અભયારણ્યની ખાસિયત એ છે કે આરક્ષિત જંગલ વચ્ચે ગામો અને ખેતરો આવેલા છે.એટલે માનવ અને પ્રકૃતિના સહજીવનનું ઉત્તમ વાતાવરણ અહીં જોઈ શકાય છે. આ જંગલનું સંચાલન વન્ય જીવ વિભાગ,વડોદરા દ્વારા વન્ય જીવ વર્તુળ, કેવડિયાના માર્ગદર્શન હેઠળ થાય છે.
 
આ વન વિસ્તારની મુલાકાત લેવા માટે શરદથી લઈને શિયાળા સુધીનો સમય ઉત્તમ ગણાય.ઉનાળો કદાચ આકરો લાગે.તો તમે પણ ક્યારેક જાંબુઘોડાના સંરક્ષિત વનના મહેમાન બનવાનું વિચારજો.કુદરતમાં રસ હશે તો અવશ્ય મજા આવશે.