ભાજપ સરકારની ધરમ કરતાં ધાડ પડી જેવી દશા, અછત જાહેર કરવા ખુદ ભાજપના ધારાસભ્યોની માંગ
ઓછા વરસાદને કારણે અત્યારથી જ ગુજરાતમાં દુકાળના ડાકલાં વાગી રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રીએ ૫૧ તાલુકાઓમાં અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછત જાહેર કર્યા બાદ ખુદ ભાજપના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં અછત જાહેર કરવાની માંગ કરી છે.
એટલું જ નહીં,ધારાસભ્યો એવુ કહેવા માંડયા છે કે, આ તો કોકને સાચવવા અને આંદોલન થાળે પાડવા અછત જાહેર કરવામાં આવી છે. નવાઇની વાત એછેકે,જયાં કોંગ્રેસી ધારાસભ્યોએ આંદોલન કર્યું તે તમામ વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવાયા છે.
સુરેન્દ્રનગર,પાટણ,બનાસકાંઠા,મોરબી,કચ્છ અને અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસી ધારાસભ્યોએ સરકારમાં સતત રજૂઆતો કરી,એટલુ જ નહીં,પણ આંદોલનો કર્યાં,ધરણાં,ઉપવાસ,જળસમાધિ સહિત વિરોધ પ્રદર્શન કર્યા હતાં જેના કારણ મોટાભાગના વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરાયા હતાં.
કોંગ્રેસનુ કહેવુ છે કે, ખેડૂતો,માલધારી,ગામડાની જનતા માટે કરાયેલાં આંદોલન સામે સરકાર ઝૂકી પડી છે. આમ છતાંય કોંગ્રેસી ધારાસભ્યોને આરોપ છેકે, કેટલાંય તાલુકાઓમાં વિકટ પરિસ્થિતી છે તેમ છતાંય સરકારે ભેદભાવ દાખવી અછતગ્રસ્ત વિસ્તારોમાં સમાવેશ કર્યો નથી.
આ તરફ, ભાજપના ધારાસભ્યો જાહેરમાં તો વિરોધ કરી શકે તેમ નથી. પણ પત્રો લખીને રજૂઆત કરવા માંડયા છે. તેમનુ કહેવુ છેકે, આંદોલનો શાંત પાડવા અમુક વિસ્તારોને અછતગ્રસ્ત વિસ્તારોમાં સમાવી લેવાયા છે. અમારા વિસ્તારમાં ય ઓછો વરસાદ પડયો છે.પાણી-ઘાસચારાની સમસ્યા છે.આમ છતાંય સરકાર અછત જાહેર કરતી નથી.
કોંગ્રેસના મતવિસ્તારોને જ અછતમાં આવરી લેવાયા છે.હવે સરકાર માટે નવી મુસીબત ઉભી થઇ છે કેમકે, બધાય વિસ્તારોને અછતમાં આવરી શકાય તેમ નથી પરિણામે સરકાર માટે ધરમ કરતાં ધાડ પડી હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. આગામી દિવસોમાં અછતગ્રસ્ત જિલ્લો-તાલુકો જાહેર કરવાના મુદ્દે સરકાર સામે લડતના મંડાણ શરુ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઇ રહી છે.