મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2019 (18:45 IST)

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર દ્વારા હકાલપટ્ટી

ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને સરકારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ બી.એ.પ્રજાપતિની હકાલપટ્ટી કરી છે.પ્રો.પ્રજાપતિ સામે હોદ્દોનો દુરુપયોગ કરી પુત્રને પ્રોફેસર બનાવવાનો તેમજ અન્ય આર્થિક ગોટાળા કરી ભ્રષ્ટાચાર કરવા સહિતના અનેક આક્ષેપો હતો.જેની તપાસ લોકાયુક્ત કચેરીમાં ચાલતી હતી અને તપાસમાં આક્ષેપો પુરવાર થતા અને તેઓ દોષિત ઠરતા લોકાયુક્તના અહેવાલના આધારે તેમની સરકારે હકાલપટ્ટી કરી છે.
ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ બી.એ પ્રજાપતિ સામે ફરિયાદ થઈ હતી કે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને યોગ્ય પદવી તેમજ અનુભવ વગરના અને શૈક્ષણિક લાયકાત વગરના પોતાના પુત્રને આર્કિટેકચરમાં આસિ.પ્રોફેસર તરીકે નિમણૂંક આપી દીધી હતી.આ ઉપરાંત તેઓએ હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના ઉપયોગ માટે નવી ઈનોવા કાર ખરીદી હતી.આ ઉપરાંત આર્થિક ગોટાળા સહિતના અનેક નાણાકીય ભ્રષ્ટાચારોના આક્ષેપો પણ તેમની સામે થયા હતા.આ વિવિધ આક્ષેપો સાથે તેમની સામે લોકાયુક્ત કચેરીમાં ફરિયાદો થઈ હતી. જેની તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને લોકાયુક્તે તાજેતરમાં સરકારને સોંપેલા રીપોર્ટમાં તેમની સામેના તમામ આક્ષેપો પુરવાર થયા હોવાથી સરકારે તેમને કુલપતિના હોદ્દા પરથી આજે દૂર કરવાનો ઓર્ડર કર્યો છે.
ગંભીર ગેરરીતિઓના આક્ષેપો લોકાયુક્ત અહેવાલમા પુરવાર થતા મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને હોદ્દા પરથી દૂર કરવા આદેશ કર્યો હતો. કેટલીક ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર તેમજ કૌભાંડો આચાર્યો હોવાની અન્ય ફરિયાદોની તપાસ હજુ ચાલુ છે.જે તપાસ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા અન્ય પગલા પણ તેમની સામે લેવાશે તેવુ સરકારના શિક્ષણ અગ્ર સચિવનું કહેવુ છે. સરકારે કુલપતિ બી.એ.પ્રજાપતિને દૂર કર્યા બાદ હાલ ઈન્ચાર્જ કુલપતિ તરીકે ઉ.ગુજરાત યુનિ.ના સીનયિર પ્રોફેસર અને ડીન અનિલ નાયકની નિમણૂંક કરી છે.મહત્વનું છે કે બી.એ.પ્રજાપતિ સામે અગાઉ પણ અનેકવાર ભ્રષ્ટાચારની ઘણી ફરિયાદો થઈ ચુકી છે અને ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે સરકારે  બે વર્ષ પહેલા જ્યારે તેઓને નિમ્યા ત્યારે પણ વિવાદ થયો હતો.