મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2019 (15:15 IST)

ઉનાળામાં પીવાના પાણીનો બોકાસો બોલશે, રાજ્યના 203 ડેમોમાંથી 113 તળિયાઝાટક

ગુજરાતમાં ઉનાળા દરમિયાન જળસંકટના એંધાણ દેખાઈ રહ્યા છે. કારણ કે રાજ્યના 203 ડેમમાંથી 113 ડેમ ખાલી છે અને જે ખાલી થવાની તૈયારીમાં છે. તેવાં જળાશયોમાં માંડ 10 ટકા પાણી છે. જયારે 65 ડેમોમાં 50 ટકાથી 10 ટકા વચ્ચે ભરેલા છે. રાજયના લોકો માટે એ રાહતની વાત છે કે સરદાર સરોવર ડેમમાં વર્ષ 2018ની સરખામણીમાં આ વર્ષે 8.8 ટકા વધારે પાણી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર ડેમમાં 9460 એમસીએમ પાણીની ક્ષમતાની સામે શુક્રવાર સુધી 4.305 મિલિયન કયુબિક મીટર પાણી હતું. વર્ષ 2018ની પહેલી માર્ચે સરદાર સરોવરમાં 3472 એમસીએમ પાણી હતુ. જે આ વર્ષની સરખામણીમાં 832 એમસીએમ ઓછું હતું. ડેમમાં પાણીના સ્તર અંગે સિંચાઈ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજયના 203 ડેમોમાં પાણી ગત વર્ષની સરખામણીમાં 9.57 ટકા ઓછું છે. આ ડેમોમાં પાણી માત્ર 5,030.30 એમસીએમ છે. જે તેની ક્ષમતા કરતાં ત્રીજા ભાગનું છે.
જયારે 2018ની સરખામણીમાં આ પાણી 1471 એમસીએમ ઓછું છે. ડેમોમાંથી રોજનું સરેરાશ 33.78 પાણી વપરાય છે આ વપરાશમાં ઉનાળામાં વધારો થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ ગંભીર છે કારણ કે આ વિસ્તારોમાં આવેલા ડેમો માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમો આવેલા છે જેની કુલ ક્ષમતા 2,347 એમસીએમ છે જેની સામે તેમાં માત્ર 56.39 ટકા પાણી છે. જયારે દક્ષિણ ગુજરાતના 13 ડેમો 8,624.78 એમસીએમ ક્ષમતાની સામે માત્ર 32.94 ટકા ભરેલા છે.