રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 મે 2017 (12:10 IST)

અમાસની ભરતીના કારણે માછીમારોની આસ્થાનું પ્રતિક દરિયાદેવી માતાનું મંદિર ધોવાઈ ગયું

દાંડીરોડના ઓંજલ ખાતે દરિયા કિનારા પર સ્થિત માછીમારોનું આસ્થાનું કેન્દ્ર દરિયાદેવી માતાજીનું મંદિર દરિયાની ભારે ભરતીના કારણે તૂટી પડ્યું હતું. આ મંદિર માછીમારોનું શ્રધ્ધા આસ્થાનું કેન્દ્ર હતું.આ મંદિર દરિયા કિનારાથી દસેક ફૂટના અંતરે કિનારા ઉપર હતું. દરિયામાં અમાસની આવેલી મોટી ભરતીના કારણે કિનારાનું ધોવાણ થઇ દરિયો મંદિર તરફ દસેક ફૂટ આગળ વધી જતાં આ મંદિર જમીનદોસ્ત થઇ દરિયામાં ગરક થઇ ગયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ દરિયાદેવી માતાના મંદિરમાં માછીમારો એટલી શ્રદ્ધા રાખતા હતા, કે જયારે પણ ઓંજલ-માછીવાડ, કણીયેટ, કૃષ્ણપુર, રાણાભાઠા, ચોરમલા ભાઠા,મોવાસા જેવા ગામોના માછીમારોની બોટો ઓખા, પોરબંદર કે મુંબઇ તરફ માછીમારી કરવા માટે રવાના થતી ત્યારે આ મંદિરની સામેથી પસાર થતાં માછીમારો દરિયામાં અચુક નાળીયેર વધેરીને પસાર થતા હતા.સ્થાનિક માછીમારો પણ દરિયાદેવી માતાની નિયમિત પૂજા અર્ચના કરતા હતા. આવા શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમાન મંદિર એકાએક દરિયામાં ગરક થઇ ગયું હતું.  માછીવાડ ખાતે કિનારા ઉપર દોઢ કિલોમીટરની લંબાઇની સંરક્ષણ દિવાલ બનાવવામાં આવેલી છે,જેના લીધે રહેણાંક વિસ્તાર પુરેપુરો સલામત છે.પરંતુ જયા આગળ દિવાલ નથી તેવા કિનારાના વિસ્તારમાં મોટી ભરતીના કારણે ધોવાણ થતુ રહયું છે.દરિયાદેવી માતાનું મંદિર જયાં હતું ત્યાં આગળ ધોવાણનું પ્રમાણ વધુ હતું. હાલ મંદિર વિસ્તારમાં અમાસની મોટી ભરતીના કારણે કિનારાનું ધોવાણ થતાં મંદિર જમીનદોસ્ત થઇ દરિયામાં ગરક થયું છે.