પાટીદાર યુવકને લઈ સરકારની સમીક્ષા બેઠક, નગરપાલિકા પર પત્થર ફેંકાયા, બસોના રૂટ બંધ કરાયા
જેલમાં પોલીસના મારથી બલોલના પાટીદાર યુવકનું મોત થયું હોવા છતાં પોલીસે જવાબદારો વિરૂદ્ધ ફરિયાદ લેવાનો નનૈયો ભણતા પાટીદારોએ આજે મહેસાણા બંધનું એલાન આપ્યું છે. અજાણ્યા ટોળાંએ મહેસાણા નગરપાલિકા પર પથ્થર મારો કરીને રોડ સાઈડના કાચ તોડ્યા હતાં. તેમજ પેટ્રોલ ભરેલી બોટલો પણ ફેંકવામાં આવી હતી. મહેસાણા સિવિલ ખાતે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
મૃતક કેતન પટેલનું પી.એમ થયા બાદ મૃતદેહને વતન લઈ જવાશે જ્યારે પી.એમ રિપોર્ટ આવ્યા બાદ અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. મહેસાણામાં પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ગૃરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં મહેસાણાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત એસ.ટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. મોઢેરા, રાધનપુર રોડ પરના બસના રૂટ બંધ કરાયા છે. તકેદારીના ભાગરૂપે એસટી રૂટ બંધ કરવામાં આવ્યા છે.