શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2017 (10:48 IST)

નીતિન પટેલમાં તાકાત હોય તો દારૂના અડ્ડા બંધ કરાવે, સત્તાનો ડર બતાવવાથી કંઈ નહીં થાય - અલ્પેશ ઠાકોર

મહેસાણા પાટીદાર યુવાનના મોત મામલે યુવકના પરિવારજનોને મળવા ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા. આ દરમ્યાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનો વિસ્તાર છે ત્યાં ભયનો માહોલ પેદા કરવામમાં આવ્યો છે. આપણા જ લોકો સત્તાના મોહમાં છે ધારીશું તેને પુરી દઈશું, ધારીશું તેને મારી નાંખશું. નિર્દોષ માં-બાપને મારી શું સાબીત કરવા માગે છે. હું ભાજપ કોંગ્રેસની વાત કરવા નથી આવ્યો હું વાત કરવા આવ્યો છું મારા ભાઈની મારા ગુજરાતી ભાઈની. તે લોકો ચોરીના આરોપની વાત કરે છે માની લો કે ચોરી કરી પણ સરકારે જવાબ આપવો પડશે. પાણી વગેરે જેવા કામમાં કરોડો રૂપિયા લઈ ગયા, મહિલાઓ યુવાનો, વૃદ્ધોના કરોડો રૂપિયા તમે ખાઈ ગયા, ખરેખર સજા તમારી નક્કી થવી જોઈએ ત્યારે તમે 500 રૂપિયાનો ચોર સૌથી મોટો ચોર છે તેવી વાત કરી છે. સરકારી નોકરીઓ, શિક્ષણ, દારૂના અડ્ડાઓમાં પોલીસ હપ્તા ખાય છે અને બાહોશી બતાવવા નિર્દોષને મારે છે. પોલીસમાં તાકાત હોય તો મહેસાણાના અડ્ડા બંધ કરાવી બતાવે. નાયબ મુખ્યમંત્રીમાં તાકાત હોય તો બુટલેગરના દારૂના અડ્ડા બંધ કરાવે અને એક બુટલેગરના અડ્ડામાં દર વર્ષે 50 યુવાનો મરે છે તેના મોતના જવાબદાર કાયદો વ્યવસ્થા છે તેનો જવાબ સરકારે આપવો પડશે.

અલ્પેશ ઠાકોરએ વધુમાં કહ્યું કે, મને એમ હતું કે પાટીદાર સમાજ મક્કમ સમાજ અહીં ભેગો થયો છે માં-બાપ અહીં બેઠા છે, એક બે દિવસમાં તેનું નિરાકરણ આવી જશે પણ 500 રૂપિયાની ચોરીનો આરોપ નાંખ્યો અને તે ગુનો સાબીત થાય તે પહેલા તેને મારી નાંખ્યો. તેને મારી નાંખ્યો તેમના પર 302 દાખલ કરો તો ખરા, ફરિયાદ કરો તો ખરા, સસ્પેન્ડ કરો તો ખરા, શેની રાહ જોઈ રહ્યા છો કોર્ટ પછીથી જે નિર્ણય કરશે તે સ્વીકાર્ય છે. પણ ફરિયાદ કરો તો ખરા. એક બીજા પર આક્ષેપોમાં આપણે પીસાઈ રહ્યા છીએ. પાટીદાર છે એટલે તેને મારી નાંખવો તે ખોટું છે. અલ્પેશ ઠાકોરે વધુમાં ઉમેર્યું કે, અહીં પાટીદાર, ચોધરી, ઠાકોર, દલિત, મુસ્લિમ, પ્રજાપતિ દરેક સમાજ અહીં બેઠો છે. આજે મને લાગે છે કે મારુ ગુજરાત અહીં બેઠું છે. આપણે એક પરિવાર છીએ આપણે જ્યાં પણ શંકા કુશંકા હોય તો દૂર કરી દો અને આપણે સાથે મળીને લડવું જોઈએ. કેતન માટે ન્યાય ન મળે ત્યાં સુધી આપણે સાથે મળીને લડીશું. સરકારને હું વિનંતી સાથે ચેતવણી પણ આપું છું કે, ગુનેગારો પર એફઆઈઆર કરો, જેલમાં નાખો. વિજય રુપાણી, પ્રદિપસિંહ અને નીતિન પટેલ આજે જ નિવેદન આપો અને કાર્યવાહીના આદેશ આપો.