શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2017 (14:16 IST)

ગુજરાતમાં ચોટલી કપાવાની બીજી ઘટના માણસા બાદ રાજકોટમાં બની

ચોટલી કાપવાની ઘટના હવે રાજકોટ સુધી પહોંચી છે. શહેરના આંબેડકર નગરમાં વિસ્તારમાં 17 વર્ષીય પાટીદાર તરૂણી ઉંઘમાંથી ઉઠી ત્યારે તેની માથાના વાળની ચોટલી કપાયેલી હોવાનું જોવા મળ્યું હતું. જેને પગલે તરૂણી રડવા લાગતા પરિવારના તમામ લોકો એકઠા થયા હતા. આ ઘટનાથી તરુણી સહિત તેનો પરિવાર અવાચક થઈ ગયો હતો. અને સમગ્ર મામલે માલવિયા નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ વિચિત્ર બનાવની વિગત આપતા ભોગ બનનારના ભાઈ રાજુભાઈએ જણાવ્યું હતું કે, સવારે તેની બહેન ઉઠી ત્યારે કોઈ તેના માથાના વાળની આખી ચોટલી કાપી ગયું હતું. જો કે બહેન જે રૂમમાં સુતા હતા તેમા ભોગ બનનારની નાની બહેન અને ભત્રીજી પણ સાથે હોવા છતાં ક્યારે શું બન્યું તેની ખબર પડી ન હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં આવી ઘટના બની હતી. પરંતુ રાજકોટ જેવા શાંત ગણાતા શહેરમાં આવી ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પ્રાથમિક ફરિયાદ લઈ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.