બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 જાન્યુઆરી 2018 (09:56 IST)

ધોતિયાકાંડમાં પ્રવિણ તોગડિયાને રાહત, વોરંટ રદ કરાયું

સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાજપના એક સમયના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ પર હુમલો કરી તેમનું ધોતિયું ખેંચી લેવાના 22 વર્ષ જુના કેસના આરોપી પ્રવીણ તોગડિયા આજે કોર્ટમાં હાજર થયા હતા. તોગડિયા સામે કોર્ટે પાંચ વાર સમન્સ ઈશ્યૂ કર્યા હતા, પરંતુ તોગડિયા હાજર ન રહેતા તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરાયું હતું. કોર્ટમાં પહોંચેલા તોગડિયાએ આ મામલે પોતાની સામે કાવતરું કરાયું હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. તોગડિયાના સમર્થકો પણ મેટ્રોપોલિટન કોર્ટમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે તોગડિયાની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતા કોર્ટમાં વાતાવરણ ગરમાયું હતું.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચેલા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે જો કાશ્મીરમાં સૈનિકો પર હુમલો કરનારા લોકો પર થયેલા કેસ પાછા ખેંચાતા હોય તો મારા પરનો આવો કેસ પાછો કેમ ન ખેંચાઈ શકે? તોગડિયાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, કોર્ટે મારી સામે ચાર વાર સમન્સ કાઢ્યું, પરંતુ કોના ઈશારે પોલીસે તેને મારા સુધી પહોંચવા જ ન દીધું? તોગડિયાએ દાવો કર્યો હતો કે, આ કેસ સાથે તેમને કોઈ લેવા-દેવા છે જ નહીં. તોગડિયાએ કહ્યું હતું કે, મારા પરનો આ મોટો રાજકીય કેસ હતો. આ કાર્યક્રમ હતો ત્યારે હું પોલીસના પ્રોટેક્શનમાં ત્યાં હતો. ઘટના જ્યાં બની ત્યાંથી હું પોલીસની સાથે જ તેનાથી ઘણો દૂર હતો. તોગડિયાએ દાવો કર્યો હતો કે, ગુજરાત સરકારના સીએમ અને ગૃહ મંત્રીની જાણ બહાર પોલીસના કેટલાક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, અને આ સૂચનાના આધારે જ મારા સુધી સમન્સ પહોંચવા દેવામાં નથી આવ્યું. સરકારની બહારની વ્યક્તિ સીએમની જાણ બહાર પોલીસને આદેશ અપાઈ રહ્યા છે.આ ખોટા રાજકીય કેસમાં મારી ધરપકડ કરી મને ડરાવી મારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો દાવો કરતા તોગડિયાએ કહ્યું હતું કે, આ ષડયંત્ર પાછળ કોણ છે તે હું આગામી દિવસોમાં જાહેર કરીશ. તેમણે ગુજરાત સરકાર આ સમગ્ર મામલાની તપાસ કરે તેવી પણ માગ કરી હતી. આજે સવારે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં પ્રવીણ તોગડિયાએ એવો દાવો પણ કર્યો હતો કે, મારી ધરપકડ કરાવી મને ડરાવવાનું કાવતરું ઘડનાર એ જ વ્યક્તિ છે કે જેના ઈશારે આનંદીબેનની સરકારમાં જીએમડીસી મેદાનમાં પાટીદારો પર લાઠીચાર્જ કરાયો હતો, અને આનંદીબેનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા.