બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (14:43 IST)

પાક વીમાને મુદ્દે વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે ચણભણ, ક્યાં ગયાં ૨૫૦૦૦ કરોડ?

ગુજરાતના ખેડૂતો પાસેથી પાક વીમાના પ્રીમિયમ પેટે ઊંચી રકમની વસૂલી કરીને પાક નિષ્ફળ જાય ત્યારે માંડ ૨થી ૯ ટકા કેસમાં જ વીમા ક્લેઈમની રકમ ચૂકવવામાં આવતી હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે વિધાનસભામાં કર્યો હતો. ગુજરાતના ખેડૂતો સાથે સરકાર છેતરપિંડી કરી રહી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ભૂતકાળમાં સરકાર પ્રીમિયમ વસૂલતી હતી. હવે ખાનગી કંપનીઓને સરકારે પાક વીમામાં પ્રવેશ આપ્યો છે અને તેના પ્રીમિયમના દર જિલ્લાવાર અલગ અલગ છે. કુલ પ્રીમિયમના ૨ ટકા ખેડૂતો પાસે અને બાકીના પ્રીમિયમના ૫૦ ટકા કેન્દ્ર અને ૫૦ ટકા રાજ્ય સરકાર ભોગવે છે.

છતાંય અમરેલી જિલ્લામાં લાખો ખેડૂતોનો ૨૦૧૬માં મગફળી અને કપાસના પાકને કરોડોનું નુકસાન થયું હોવા છતાંય આજદિન સુધી તેના વીમાના ક્લેઈમ ચૂકવાયા ન હોવાનો આક્ષેપ આજે ગુજરાત વિધાનસભામાં કરવામાં આવ્યો હતો. લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે ૨૦૧૬ની સાલમાં મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતો વતીથી રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને રૃા. ૬૦૦ કરોડના પ્રીમિયમની ચૂકવણી કરી છે. આ પ્રીમિયમની રકમ સામે સંખ્યાબંધ ખેડૂતોના ક્લેઈમ હોવા છતાં આજદિન સુધી એટલે કે અઢાર મહિના વીતીગયા પછી પણ માત્ર રૃા. ૧.૪૭ કરોડના ક્લેઈમ જ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવ્યા છે. ક્લેઈમના નાણાં મોટાભાગના ખેડૂતોને ન મળ્યા હોવાથી અમરેલીના અને રાજ્યભરના ખેડૂતો હતાશ થયા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા તાલુકામાં મગફળી અને કપાસના વીમા ક્લેઈમની ચૂકવણી અંગે સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દૂધાતે પૂછેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે મગફળીના વીમાના ક્લેઈમ દાવા પ્રમાણે ચૂકવવાના થતાં જ નથી. તેની સામે કપાસના વીમાના ક્લેઈમની હજી ગણતરી ચાલી રહી છે તેથી તેમાંથી કેટલા ક્લેઈમના નાણાં ચૂકવવામાં આવ્યા તેની ટકાવારી ઉપલબ્ધ નથી. ખેડા જિલ્લાના નોટિફાઈડ તાલુકાઓમાં પણ કપાસના પાકને નુકસાન થતાં મૂકવામાં આવેલા ક્લેઈમની ગણતરી ચાલુ હોવાનું સરકારે જણાવ્યું હતું. આ ગણતરી પૂરી થયા પછી ચૂકવણી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના સંદર્ભમાં મગફળીના વીમાના ક્લેઈમ ચૂકવવામાં આવ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું છ, કારણ કે છોટાઉદેપુરમાં મગફળીનો પાક નોટિફાઈડ થયેલો નથી. જોકે કપાસના પાકમાં ૪૨૧ ખેડૂતોને ૯.૯૩ ટકા વીમો ચૂકવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.