ગુજરાતીઓને ગરમી દઝાડશે, અમદાવાદમાં ૩૫.૪ ડિગ્રી, ૧૦ શહેરમાં પારો ૩૫ ડિગ્રીને પાર
ફેબુ્રઆરી મહિનો હજુ પૂરો પણ થયો નથી ત્યાં ગરમીએ પ્રભુત્વ જમાવવાનું શરૃ કરી દીધું છે. આજે અમદાવાદ સહિત ૧૦ શહેરમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર થયો છે. ૩૬.૪ ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. બીજી તરફ અમદાવાદમાં ૩૫.૪ ડિગ્રી ગરમીનો પારો નોંધાયો હતો. રાત્રે પડતી ઠંડીમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ગત રાત્રિએ મોટાભાગના શહેરમાં ઠંડીનો પારો ૧૫ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ૧૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ચાર દિવસ ઠંડીનો પારો ૧૮ ડિગ્રીએ જ્યારે ગરમીનો પારો ૩૬ ડિગ્રીએ પહોંચશે. આમ, શિયાળાએ વિદાય લઇ લીધી છે તેમ પણ કહી શકાય. હવામાન વિભાગના મતે આવતીકાલે આગામી ૪૮ કલાક સુધી મહારાષ્ટ્રના પાંચ જિલ્લા નાસિક, અહેમદનગર, જલગાંવ, ધુલે અને નંદરબારમાં કરા સાથે તોફાની વરસાદ પડી શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના વાતાવરમાં આંશિક પલટો આવી શકે છે.