1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (16:46 IST)

ગુજરાત વિધાનસભામાં હલ્લાબોલ, જિજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરાયું, કોંગ્રેસ પણ આક્રમક

ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન આજે પાટણના દલિતના આત્મવિલોપનના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. એક તબક્કે આક્રોશ વ્યક્ત કરતા જીજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. જે પછી કોંગ્રેસે પણ આક્રમક વિરોધ કરતાં ગૃહ મુલત્વી રાખવામાં આવ્યું હતું. પાટણમાં દલિત ભાનુ વણકરના આત્મવિલોપન સંદર્ભે નિયમ 116 મુજબ આ પ્રશ્ને ચર્ચા ચાલી રહી હતી દરમ્યાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઊભા થઈ કહ્યું કે રાજ્યના 50 લાખ દલિતોને આ વિજય રુપાણી સરકાર પર ભરોસો રહ્યો નથી. તે વધુ કોઈ પ્રશ્ન પુછવા જાય તે પહેલા જ તેમનું માઈક બંધ કરવાનો હુકમ કર્યો હતો. જે સાંભળી કોંગ્રેસના નેતાઓ પણ માઈક ચાલુ કરવાની રજુઆત સાથે ઊભા થઈ ગયા હતા. જે પછી ભારે હોબાળો થતાં અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી મુલત્વી રાખી હતી. ઉલ્લેખનીય છે કે આ પછી કોંગ્રેસના નેતાઓ રેલી સ્વરુપે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની કેબીન સુધી પહોંચ્યા હતા અને બનાવ અંગેની રજુઆત કરી હતી.