શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (11:24 IST)

ખેડૂતોના પાકની લણણી સમયે જ ગુજરાતમાં માવઠું

અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ઝાપટું પડતાં ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તો વહેલી સવારે સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, નર્મદા,ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ સહિતના જિલ્લામાં ઝાપટું અને વાદળછાયું વાતાવરણ જામ્યું હતું. ગુજરાતમાં એકબાજુ પાણીની પણોજણ છે ખેડૂતો ઊભા પાકને બચાવવા પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે રાજ્યના કેટલાક પાકો તૈયાર થઈ જતાં તેની લણણી કરવામાં આવી રહી છે.

ઘઉં, બટાટા, ડુંગળી, લસણ જેવા પાકો તૈયાર થઈ ગયા છે અને તેની લણણીની કામગીરી ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આવા પાકોમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. ખેડૂતો કમોસમી વરસાદને પગલે ચિંતાતૂર બન્યા છે. રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં પણ કેટલાક ભાગમાં ઝાપટું પડ્યું હોવાનું જાણવા મળે છે. શહેરના શિવરંજની, શ્યામલ, વસ્ત્રાપુર, રિવરફ્રન્ટ વગેરે વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.