સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 13 એપ્રિલ 2018 (13:33 IST)

ACBનો ઈતિહાસનો સૌથી મોટો દરોડો, 6 સરકારી બાબુઓના દફતરમાંથી 56 લાખ ઝડપ્યા

રાજયના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયની બાજુમાં આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે ગુરુવારે દરોડો પાડી કલાસ વન અધિકારીઓ કે.સી. પરમાર અને એમ.ડી. દેત્રોજાના ડ્રોઅરમાંથી સૌથી વધુ રોકડ એટલે કે રૂા. 40 લાખ અને અન્ય ચાર અધિકારીઓના ડ્રોઅરમાંથી મળી કુલ રૂા. 55 લાખ જેટલી રોકડ રકમ કબજે કરી છે. એસીબીની ટીમે કોઈ સરકારી કચેરીમાંથી આટલી મોટી સંખ્યામાં રોકડ કબજે કરી છે. સવારથી કરાયેલી રેડની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી.

ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડમાં જમીન સંપાદન અને પાણીના સંગ્રહને લગતી કામગીરીમાં આપવામાં આવતી ગ્રાન્ટ પેટે લાખોનો વ્યવહાર કરવો પડતો હોવાની ફરિયાદો એસીબીને મળી હતી. ગુરુવારે એસીબીની ટીમે રેડ કરી હતી. જેમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં વર્ગ-1 ના અધિકારી કે.સી.પરમારના ડ્રોઅરમાંથી રોકડ રૂા.40 લાખ જયારે અન્ય પાંચ અધિકારીઓના ડ્રોઅરમાંથી 16 લાખ મળી આવ્યા હતા. આ અંગે એસીબીના આસિસ્ટન્ટ ડાયરેકટર કેશવ કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે આ નિગમમાં ગેરરિતી અંગેની અનેક ફરિયાદો આવી હતી જેના આધારે છેલ્લા દોઢ મહિનાથી અમે આ દિશામાં કામગીરી કરી રહ્યા હતા જેમાં આજે અમને સફળતા મળી છે. હાલમાં પાંચ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમની પાસેથી અત્યારસુઘીમાં લગભગ પપ લાખ રૂપિયા કબજે કરાયા છે. તેમણે જણાવ્યું હતુ કે આ રકમ એક જ દિવસનું કલેકશન હોવાનું જણાઈ રહ્યું છે જે અંગે તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઓપરેશનમાં પાંચ ડી.વાય.એસ.પી. અને 12 જેટલા પોલીસ ઈન્સપેકટર સહિતનો સ્ટાફ જોડાયો હતો. ગુરૂવારે સવારથી જ એસીબીની ટીમો કામે લાગેલી હતી જેમાં સાંજના સમયે અમને રોકડ રકમ મળી આવવાની સાથે સફળતા મળી હતી. સામાન્ય રીતે એસીબીની રેડમાં લાંચની રકમ મોટી નથી હોતી, પરંતુ આ રેડમાં આટલી મોટી સંખ્યામાં રોકડ રકમ ઝડપાતા એસીબીએ ગાંધીનગરની ત્રણ બેંકોના અધિકારીઓને કેશ કાઉન્ટીંગ મશીન સાથે આ રેડની કામગીરીમાં મદદ માટે બોલાવ્યા હતા. ગુજરાત જમીન વિકાસ નિગમના કલાસ વન અધિકારી કે.સી. પરમારની પાસેથી 40 લાખની રોકડ મળ્યા બાદ એસીબીની એક ટીમે તેમના અમદાવાદ ચાંદખેડા સ્થિત નિવાસસ્થાન પરમેશ્વર બંગલો ઉપર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.