સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 28 એપ્રિલ 2018 (17:24 IST)

ગુજરાતમાં જળ કટોકટીનાં એંધાણ, ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા જેટલું પણ પાણી નથી

ગુજરાતભરમાં ભરઉનાળે ચારેકોર પાણીના પોકાર ઉઠયા છે. શહેરોમાં ટેન્કરથી પાણી આપવુ પડે છે તો,ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે દુરદુર સુધી લાંબા થવુ પડે છે. આ પરિસ્થિતીમાં ગુજરાતના ડેમોમાં પાણીની સપાટી દિનપ્રતિદીન ઘટી રહી છે જેના લીધે ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા કરતાંય ઓછુ પાણી રહ્યુ છે.આ જોતાં આગામી દિવસોમાં જળસંકટ ઘેરુ બને તેવા એંધાણ સર્જાયા છે. ૧૫મી જૂનથી ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ છે. ચોમાસાને આડે હવે ૫૦ દિવસ બાકી રહ્યાં છે.

બીજી તરફ,ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. જો ઝડપથી ડેમોમાં પાણીની સપાટી ઘટશે તો,આગામી દિવસોમાં જળ કટોકટી સર્જાય તેમ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની પરસ્થિતી ઘણી જ કફોડી બની છ.કચ્છના ૨૦ ડેમોમાં તો હવે માત્ર ૧૫.૮૭ ટકા જ પાણી છે. સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમોમાં ૨૧.૫૮ ટકા જ પાણી બચ્યુ છે. દક્ષિણ ગુજરાતના ડેમોમાં ય ૩૫.૩૮ ટકા પાણીનો સંગ્રહ છે.માત્રને માત્ર મધ્ય ગુજરાતમાં ડેમોમાં ૫૩.૦૭ ટકા પાણી સંગ્રહાયેલુ છે. નર્મદા ડેમમાં ય ૩૨ ટકા જ પાણી રહ્યુ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં ૩૨.૬૩ ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે. આજે રાજ્યના ૨૦૩ ડેમોમાંથી ૧૩૫ ડેમોમાં એવા છેકે,જેમાં ૨૫ ટકાથી ય ઓછુ પાણી રહ્યુ છે. ૬૦ ડેમો તો સૂકાઇ જતાં સપાટ મેદાનોમાં પરિવર્તિત થયાં છે. ૯૬ ડેમોમાં તો એવાં છે કે,જયાં માત્ર ૧૦ ટકા જ પાણી રહ્યુ છે. ચોમાસાના આગમન પહેલાં જ ડેમો ખાલી થઇ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ચોમાસુ લંબાય તો રાજ્યમાં પાણીની ભયંકર કટોકટી સર્જાઇ શકે છે તેમાં ય ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. પાણીની તંગી વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે નહી કરાય તો, પાણીની મુશ્કેલી ભાજપ સરકાર માટે ય મુસિબત ઉભી કરી શકે છે.