શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ઑક્ટોબર 2018 (14:27 IST)

ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને પ્રજા મોંઘવારીમાં પિસાઈ રહી છે ત્યારે મંત્રીઓ અને ધારાસભ્યોના આવ્યા “અચ્છે દિન”

લોકશાહી શાસનવ્યવસ્થામાં શાસકની પહેલી જવાબદારી જનતાના હિતોનું ધ્યાન રાખવાની છે અને એ પછી જ શાસકે પોતાના વ્યક્તિગત હિતોને પ્રાધાન્ય આપવાનું હોય છે પણ વર્તમાન લોકશાહીના શાસકો લોકશાહીની અને પ્રજાની મુશ્કેલીઓ સમજવાની અને પ્રજાની સેવા કરવાની સુફિયાણી વાતો તો ઘાંટા પાડી પાડીને કરતા હોય છે પણ વાત જ્યારે તેમના પોતાના સ્વાર્થની આવે ત્યારે પ્રજા જાય જહન્નમમાં એમ કરીને પેટ્રોલ-ડિઝલ, શાક્ભાજી, સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધતા જતા ભાવો અને રાજ્યના અમુક જીલ્લાઓમાં દુષ્કાળ અને ઓછા વરસાદની સ્થિતિને પરિણામે રાજ્યની પ્રજા અત્યારે મોંઘવારીના કારમા ચક્કરમાં પિસાઈ રહી છે ત્યારે ગુજરાતના મંત્રીઓ અને ધારાસભ્યોએ પ્રજાને પડી રહેલ મુશ્કેલીઓની પરવા કર્યા વિના પોતાના પગારોમાં દલા તરવાડીની જેમ મનફાવે એટલો તોતીંગ વધારો કરી નાખ્યો અને ગઈકાલે રાજ્યપાલ દ્વારા તેમના પગાર વધારાના બિલને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. પ્રજાની દિવાળી ભલે બગડતી હોય પણ મંત્રીઓ અને ધારાસભ્યોની દિવાળી ચોક્કસ સુધરી ગઈ છે. 
ઉલ્લેખનીય છે કે ગત ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યના મંત્રીઓ, વિરોધપક્ષના નેતા અને ધારાસભ્યોના પગાર વધારાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે મંત્રીશ્રીઓ અને વિરોધપક્ષના નેતાનો પગાર રૂ. ૮૬,૮૦૬/- થી વધારીને રૂ. ૧,૩૨,૦૦૦/- જ્યારે ધારાસભ્યોનો પગાર રૂ. ૭૦,૭૨૭થી વધારીને રૂ. ૧,૧૬,૦૦૦/- કરવામાં આવ્યો હતો. મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર-વધારાના બિલ પર રાજ્યપાલે ગઈકાલે મંજૂરીની મહોર મારી દીધી હતી. પ્રજાના પ્રશ્નોને લગતા બિલ પસાર કરવામાં અને મંજૂર કરવામાં દિવસો, મહિનાઓ અને ક્યારેક વર્ષોના વર્ષો લગાડતા ધારાસભ્યો તેમના પોતાના પગાર વધારાના બિલને ગણતરીના કલાકોમાં એજન્ડમાં લઈને મંજૂર કરાવી દે છે અને પ્રજાને તેની ભનક પણ આવતા દેતા નથી.

ચાલુ વર્ષે ચોમાસુ નબળું રહેતા ગુજરાતમાં ક્યાંક ઓછો વરસાદ તો ક્યાંક દુષ્કાળની સ્થિતિને લીધે ખેત પાકો નિષ્ફળ જવાથી આર્થિક સંકડામણને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે અને આમ પ્રજા પેટ્રોલ-ડિઝલ, શાક્ભાજી, સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધતા જતા ભાવોને લીધે મોંઘવારીના મારથી પિડાઈ રહી છે અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે એવે સમયે પ્રજાએ ચૂંટીને મોકલેલ ધારાસભ્યોને હવે તોતીંગ પગાર-વધારાને કારણે બખ્ખા થઈ ગયા છે અને એમ કહો કે પ્રજાનું જે થવું હોય તે થાય પણ તેઓની દિવાળી તો સુધરી ગઈ છે. મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર વધારાને કારણે  હવે આવતી પહેલી નવેમ્બરે રાજ્યનો પ્રત્યેક ધારાસભ્ય નવા પગાર વધારા પ્રમાણે રૂ. ૪, ૮૦,૦૦૦/- (આઠ મહિનાના એરિયર્સ અને અન્ય ભથ્થાઓ સહિત) જેટલી તોતીંગ રકમ પોતાના ઘેર લઈને જશે અને લહેરથી દિવાળી ઉજવશે. અહીં મહત્ત્વની વાત એ છે ધારાસભ્યોના પગાર-વધારા માટે કોઈ જ નિયમો, માપદંડો, ધારાધોરણો સમિતિ કે અન્ય કોઈ વ્યવસ્થા તેઓએ રાખી નથી તેમની મરજી થાય એટલો પગાર-વધારો તેમની મેળે જ નક્કી કરી નાખતા હોય છે અથવા જો એમ ન હોય તો ધારાસભ્યોના પગારમાં કેવી રીતે અને ક્યા કારણોસર વધારો કરવો જરૂરી છે તેની માહિતી સામાન્ય જનતાને આપવી જોઈએ અને પ્રજાને એ જાણકારી મેળવવાનો અધિકાર પણ છે. સામાન્ય પ્રજા કે સરકારી કર્મચારીને કંઈ આપવાનું થાય તો જાતજાતની સમિતિઓ અને નિયમો લાગું પાડતા આ ધારાસભ્યોના પગાર-વધારા માટે પણ કોઈ ચોક્કસ બંધારણીય વ્યવસ્થા હોવી અત્યંત આવશ્યક છે અન્યથા પ્રજાની પરસેવાની કમાણીના નાણાં સરકારની તિજોરીમાંથી ખાલી થતા રહેશે જ્યારે જેના પર ખરેખર અધિકાર છે તે પ્રજાને તેમાંથી કંઈ નહિ મળે.

રાજ્યમાં અત્યારે સ્થિતિ એવી છે કે આર્થિક સંકડામણથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને જનતા મોંઘવારીના મારથી પિસાઈ રહી છે ત્યારે ખેડૂતો અને પ્રજાને કોઈ રાહત આપવાના પૈસા સરકાર પાસે નથી અથવા તો પૈસા છે પણ રાહત આપવાની દાનત નથી અને પોતાના પગાર-ભથ્થામાં તોતીંગ વધારો કરીને લાખો રૂપિયા પ્રજાની તિજોરીમાંથી ઉસેડી લે છે. ધારાસભ્યોએ પોતાનો પગાર વધારો લેતા પહેલા ખેડૂતો અને પ્રજાની મુશ્કેલીઓનો વિચાર કરવાની જરૂર હતી.