1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , મંગળવાર, 25 જૂન 2019 (16:01 IST)

રાજ્યસભાની ચૂંટણી - ભાજપે બે ઉમેદવારોની જાહેરાત કરી

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઇને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપે ગઇ કાલે તેમના બે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. ભાજપે તેમના બે ઉમેદવાર તરીકે એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરી છે. ત્યારે આ બંને ઉમેદવારો આજે બપોરે વિજય મહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ તેમના બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.
 
રાજ્યસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપના બંને ઉમેદવારો રાજ્યના સીએમ અને ડેપ્યૂટી સીએમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે આ ઉમેદવારો ફોર્મ ભરે તે પહેલા સીએમના નિવાસસ્થાને એક બેઠક મળશે. આ બેઠકમાં નીતિન પટેલ, જીતુ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
 
ઉમેદવારી ફોર્મ ભરવાનું હોવાથી વિદેશ મંત્રી એસ. જયશંકર ગઇ કાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ એસ. જયશંકરને ભાજપ સરકાર દ્વારા વિદેશ મંત્રી તરીકની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અગાઉ ભાજપ સરકારમાં તેઓ વિદેશ સચિવ રહી ચુક્યા છે. એસ. જયશંકર ચૂંટાયેલા ઉમેદવાર ન હોવાથી તેમને ભાજપ દ્વારા રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. 
 
જ્યારે જુગલ ઠાકોર બક્ષીપંચ મોરચાના શહેર મંત્રી તરીકે ભાજપમાં કાર્ય કરી રહ્યાં છે, તો આ સાથે તેઓ ઉત્તર ગુજરાતના એક મોટા ઠાકોર નેતા છે. જેને લઇને ભાજપ દ્વારા ઉત્તર ગુજરાતમાંથી તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી બાજુ રાજ્યસભા ચૂંઠણીને લઇને ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે તો હજુ સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે આ અંગે ગઇકાલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યસભાની બે બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી 2019 જીત બાદ પીએમ મોદીની નવી સરકારમાં અમિત શાહ ગૃહમંત્રી અને સ્મૃતિ ઇરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રી તથા કાપડ મંત્રીનું ખાતુ સોપવામાં આવ્યું છે. જોકે બંને નેતાઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેમણે રાજ્યસભાના સાંસદ પદથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યસભાની આ બંને બેઠકો ખાલી પડી છે. ત્યારે આ બંને બેઠકોપ પર ચૂંટણી યોજાશે.