બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 મે 2020 (11:26 IST)

લગ્નનાં 17 વર્ષે અધૂરા મહિને જન્મેલી બાળકીના જન્મથી ઘોડિયું બંધાયું, પણ…

એ દિવસ હતો 15મી મેનો. રમીલાબેન અને વિનુભાઈ પરમાર આજે ખૂબ ખુશ હતા. લગ્નનાં 17-17 વર્ષ વીતી ગયાં પછી તેમના ઘરે પારણું બંધાયું હતું અને લક્ષ્મીજી પધાર્યાં હતાં. માતા-પિતા બંનેનો હરખ માતો નહોતો. પણ, પુત્રીરત્નના જન્મની થોડી જ પળોમાં આ આનંદનો અવસર તેમના માટે દુ:ખ અને ચિંતામાં પલટાઈ ગયો…
 
વાત એમ હતી કે, આણંદ જિલ્લાના સામરખા ગામનાં રમીલાબેન અને વિનુભાઈના ઘરે લગ્નના આટલાં વર્ષ પછી ઘોડીયું તો બંધાયું, પણ બાળકનો જન્મ સમય પહેલાં થયો હતો, એટલે તે ઓછા વજનનું હતું. એટલા માટે જ્યાં તેમની પ્રસૂતિ થઈ હતી, તે શ્રીજી વુમન નર્સિંગ હોમ સિવાયની બીજી એક હોસ્પિટલમાં બાળકીને પેટીમાં રાખવામાં આવી.
 
જ્યાં હોસ્પિટલના મહિલા તબીબે બાળકીની ચકાસણી કરીને એક્સ-રે કઢાવ્યો, તો ખબર પડી કે બાળકીને અન્નનળી અને શ્વાસનળી વચ્ચે જે પડદો હોવો જોઈએ તે નહતો. આ ખૂબ જ ગંભીર હતું. માતા બાળકીને દૂધ પીવડાવે તો પણ તે સીધું શ્વાસનળીમાં જાય અને બાળકનો જીવ જોખમમાં મુકાય. આવી સ્થિતિમાં તાત્કાલિક બાળકીનું ઓપરેશન કરવું પડે, નહીંતર 24 કલાક કાઢવા પણ અઘરા થઈ જાય.
 
આ બાબતનો ખ્યાલ આવતાં જ શ્રીજી નર્સિંગ હોમના ડૉ. કલ્પેશ પટેલ પળવારનો પણ વિલંબ કર્યા વિના બાળ સ્વાસ્થ કાર્યક્રમની જવાબદારી સંભાળતાં ‘અટલ સ્નેહ યોજના’નાં તબીબ ડૉ. ધારા જાનીને વિગતવાર પરિસ્થિતિથી વાકેફ કર્યાં. ડૉ. ધારાએ તાત્કાલિક બાળકીનનું અટલ સ્નેહ યોજનાનું કાર્ડ બનાવ્યું અને 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપ્લાય સાથે બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા. જ્યાં બાળકીનું ઑપરેશન અને વધુ સારવાર હાથ ધરાઈ.
 
સામાન્ય સંજોગોમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને આ ઑપરેશનનો ખર્ચ પરવડે એમ નથી હોતો, ત્યારે આવા સમયે જરૂરિયાતમંદ પરિવારો માટે ગુજરાત સરકારની યોજના મોટા આશ્વાસનરૂપ બની. જે અંતર્ગત ગંભીર ખામી સાથે તાજા જન્મેલા શિશુને બચાવી લેવા માટે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. રમીલાબેન અને વિનુભાઈની પુત્રીને નવજીવન તો મળશે જ, સાથોસાથ લગ્નના આટલાં વર્ષ પછી મળેલી ખુશીને પણ તેઓ કાયમ રાખી શકશે.