સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:50 IST)

MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ કર્યો આપઘાત

ગાંધીનગરના સેક્ટર-21 MLA ક્વાટર્સના બ્લોક નંબર 12/10માં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના ભાણીયા રાકેશ સિંહ ચાવડાએ ગત મધરાત્રે ક્વાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સેક્ટર-21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
 
ગાંધીનગરના સેક્ટર-21 એમએલએ ક્વાટર્સના બ્લોક નંબર 12/10નું મકાન ઠાસરા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને ફાળવવામાં આવ્યું છે. આ ક્વાર્ટરમાં તેમનો 42 વર્ષીય ભાણીયો રાકેશ સિંહ હઠીસિંહ ચાવડા તેના પરિવાર સાથે રહેતો હતો. રાકેશ સિંહને છેલ્લા દોઢ-બે મહિનાથી લકવો થઈ ગયો હતો. જેના કારણે તે માનસિક તનાવમાં રહેતો હતો.
 
ગઈકાલે મોડી રાત્રે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા બાદ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ તેમની પત્નીએ ઉઠીને જોયું, ત્યારે રાકેશ સિંહ રૂમમાં ના દેખાતા તેમણે આસપાસ શોધખોળ કરી હતી. જેમાં રાકેશ સિંહ ક્વાટરની જાળી પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
 
પત્નીની બૂમાબૂમ સાંભળીને પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણ મૃત રાકેસ સિંહના સગામામા ધારાસભ્ય કાંતિ પરમારને પણ કરી દેવામાં આવી છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક રાકેશ સિંહ ચાવડા કોઈ કામ કરતો નહતો. તેમજ છેલ્લા દોઢ-બે મહિનાથી લકવાની બીમારીથી કંટાળીને આ આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.