શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 25 જૂન 2020 (18:08 IST)

સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કર્યો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીએ આઇસોલેશન વોર્ડના બાથરૂમમાં પોતાની જાતે જ કાચ વડે પેટમાં ઉપરા-છાપરી ઘા ઝીંકીને આત્મહત્યા કરી હતી. જેને પગલે સયાજી હોસ્પિટલના સત્તાધીશો અને પોલીસ દોડતી થઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.  વડોદરા જિલ્લાના કરજણના હાંડોડ ગામની નવી નગરીમાં રહેતા 35 વર્ષીય સતિષભાઇ પરત્તોતમભાઇ નાયક છેલ્લા ઘણા સમયથી તાવ, શરદી, ખાસી અને કફ થયો હતો. આ દરમિયાન તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવારજનો તેણે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. જ્યાં ડોક્ટરની પ્રાથમિક તપાસ કરતા કોરોનાના તમામ લક્ષ્ણો જોવા મળ્યા હતા. યુવાનને શ્વાસ લેવામાં ખુબ જ તકલીફ પડતી હોવાથી તેને મેડિકલ નર્સિંગ હોમના કોવિડ-19 આઇસોલેશન વોર્ડમાં બુધવારે મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તે શ્વાસ લેવાની અસહ્ય પીડાથી કંટાળ્યો હતો. જેથી આજે વહેલી સવારે પોણા ચાર વાગ્યે આઇસોલેશન વોર્ડના બાથરૂમમાં જઇ યુવાને કાચની બારી તોડીને પોતાના શરીર પર જાતે જ ઉપરા-છાપરી કાચના ઘા ઝીંકી દીધા હતા. આઇસોલેશન વોર્ડના સ્ટાફે દરવાજો ખખડાવાતા યુવાન લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી ડોક્ટર્સે તેની સારવાર શરૂ કરી હતી. પરંતુ યુવાનનો જીવ બચ્યો નહોતો. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.